ભરૂચ,
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,અંકલેશ્વર નગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોને જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની સવિસ્તાર સમજણ આપવા પોકસો અંગે જાગૃતિ શિબિર આયોજિત કરાઈ હતી.
બાળકો સુરક્ષિત વાતાવરણમાં વિકાસ કરી શકે,અધિકારો તેમજ કાયદાકીય રક્ષણ વિશે માહિતગાર થાય તેવા ઉમદા આશય સાથે શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનારમાં ઈ.એન.જીનવાલા, MTM હાઈસ્કૂલ, AVM વિદ્યામંદિર અને TM શાહ સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાના વિશેષ સહયોગથી ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશી, એજ્યુકેશન ઈન્સ્પેકટર મોનાલી અટોદરિયા તેમજ અંકલેશ્વર પાલિકા ઉપપ્રમુખ વિરલ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ચારેય શાળાઓના શિક્ષકો, સ્ટાફ, આચાર્ય અને ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ભરૂચ DLSA ના સચિવે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ શૈલીમાં બાળકોને જાતિય સતામણી સામે પોસ્કો એક્ટ હેઠળ મળતા રક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી.સાથે જ પોક્સો એક્ટ હેઠળ સજાની જોગવાઈ, કાનૂની સહાય, મફત વકીલની સગવડ, કાઉન્સેલિંગ અને આર્થિક વળતર વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.જો ક્યારેય પણ આવી કોઈ અઘટિત ઘટના ઘટે તો ગભરાયા વગર પોતાના માતા-પિતા, શિક્ષકો અથવા કાનૂની સંસ્થાઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ કાયદાકીય પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું.




