– લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન હરસિદ્ધિ ધામમાં સુરક્ષા અને સીસીટીવીનો સદંતર અભાવ : નિરંજન વસાવા AAP
– ’શું ચોકીદાર જ ચોર છે?’ રામ મંદિર બાદ હરસિદ્ધિ માતાના મંદિરમાં પણ ચોરી : નિરંજન વસાવા AAP
– મંદિરના વહીવટ પર ભાજપના નેતાઓનો કબજો, લાખો રૂપિયાના દાનના હિસાબ માટે ટ્રસ્ટ બનાવવાની માંગ : નિરંજન વસાવા AAP
– ચેકપોસ્ટની જેમ હરસિદ્ધિ મંદિરે પણ ૨૪ કલાક પોલીસ નિગરાની અને કેમેરા ગોઠવવા અપીલ : નિરંજન વસાવા AAP
– નર્મદા પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલે અને તટસ્થ તપાસ કરે : નિરંજન વસાવા AAP
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમ્યાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરી કરી છે.આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થળ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે.મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે
છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા નથી. આ સમગ્ર ઘટના નર્મદા પોલીસ અને મંદિરના વહીવટી તંત્રની ભારે બેદરકારી અને નિષ્કાળજી દર્શાવે છે.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રાજાશાહી વખતના આ પવિત્ર ધામનો વહીવટ ભાજપના નેતાઓ, પ્રમુખો અને મંત્રીઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. રામ મંદિરમાં કરોડોની ચોરી થયા બાદ હવે હરસિદ્ધિ માતાના મંદિરે પણ દાનપેટી ચોરાઈ છે, ત્યારે ‘શું ચોકીદાર જ ચોર છે?’ તેવો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.મંદિરમાં આવતા લાખો રૂપિયાના દાનનો એક-એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ રહે તે માટે તાત્કાલિક ધોરણે સક્ષમ ટ્રસ્ટ અને કમિટીની રચના કરવામાં આવે.નર્મદા પોલીસ જેમ અલગ-અલગ ચેકપોસ્ટ પર સીસીટીવી અને પોલીસ તૈનાત કરે છે,તેવી જ રીતે આ પૌરાણિક મંદિરમાં પણ ૨૪ કલાક પોલીસ નિગરાની ગોઠવવામાં આવે. આ ચોરી મામલે વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને વહેલામાં વહેલી તકે દોષિતોને પકડવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.




