– બાળકીને તાવ,ઝાડા ઉલ્ટી સાથે ખેંચ પણ આવતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના સ્પેશ્યલ પીડિયાટ્રીક વોર્ડમાં ખસેડાયુ હતું
– બાળકનું સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા
– 3 વર્ષીય બાળકીની તબિયત સારી અને સ્થિર હોવાથી ચિંતાજનક નહીં
ભરૂચ,
ભરૂચના ઝઘડિયા તાલુકામાં 3 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્રણ વર્ષની બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હાલ આ કેસને શંકાસ્પદ તરીકે જ લેવામાં આવ્યો છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિરા શુકલાએ જણાવ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલ્ટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ.
ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂટના બાળરોગ ના ડૉક્ટર રૂષિલ વસાવાએ જણાવ્યું હતું કે બાળકી આવી ત્યારે તેને તાવ, ઉલ્ટી, ઝાડા અને ખેંચ આવતી હતી.જેને આઈસીયુમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. તમામ બ્લડ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં બાળકીની તબિયત સુધારા પર છે. ચાંદીપુરા વાયરસથી બચવા બાળકોને લાંબી બાઈના કપડાં પહેરાવવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને લક્ષણો જણાઈ તો તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે સારવાર કરાવવી.




