(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા મનમુકીને વરસાદ વરસાવતા સીમોમાં વાવણી કરાયેલ બિયારણ ઉગી નીકળ્યું છે. વરસાદથી પાક સારો થાય તે માટે હાલ ખેડૂતોને યુરીયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.પરંતુ નેત્રંગ તાલુકામાં ખાતરની અછત સર્જાતા ૭૮ ગામના ગરીબ આદિવાસી ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી.જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વહેલી સવારથી જ ખેડૂતો નેત્રંગ નગરની સહકારી મંડળીઓના ગોડાઉન અને ખાનગી વિક્રેતાઓની દુકાનો આગળ લાંબી લાઇનોમાં ઊભા રહે છે.૨ થી ૩ કલાક સુધી તડકામાં ઊભા રહ્યા બાદ પણ માંડ-માંડ ૩ થી ૪ ગુણ ખાતર જ મળે છે.
ખેડૂતોને વગર માથાકૂટે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા તેમજ ભારતીય કિસાન મોરચા ભરૂચ જિલ્લા પ્રમુખ અને એપીએમસી વાલિયાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા દ્વારા સરકારમાં લેખિત રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનો નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ નેત્રંગ-વાલિયા તાલુકાના ખેડૂતોમાં ઉઠી છે.




