ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે જીઆઈડીસીની કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધમકી આપી બે ઈસમો બસ લઈને જતા રહ્યા હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
દહેજ પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો રહીશ અને હાલ વાગરા ખાતે રહેતો રવિભાઈ બાબુભાઈ પટેલ નામનો યુવક ભરૂચના રૂષિકુમાર આહિરની લક્ઝરી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.રવિકુમાર તેની લક્ઝરી બસમાં દહેજ જીઆઈડીસીની એક કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે.તા.૨૧ મીના રોજ રવિકુમાર સાંજના સાત વાગ્યાના સમયે કંપનીના કામદારોને લેવા ગયો હતો.તે દહેજ ખાતે એક જગ્યાએ પાર્ક કરેલ તેની બસ લેવા ગયો ત્યારે લખીગામના ભાવેશ પ્રભુ આહિર તથા દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ તેમની ઈકો ગાડી લઈને ત્યાં આવ્યા હતા,અને તે લોકો લક્ઝરી બસમાં બેસી ગયા હતા અને ભાવેશભાઇએ બસ ચાલુ કરી દીધી હતી.આ જોઈને રવિભાઇએ તેમને પુછ્યું હતું કે અમારી બસ ચાલુ કરીને ક્યાં લઈ જાવ છો? આ સાંભળીને તેઓ ગાળો બોલવા લાગેલ અને તેમણે રવિભાઇને જણાવેલ કે તું સાઈડમાં હટી જજે નહિતો તારા પર બસ ચડાવી દઈશ.એમ ધમકી આપીને ભાવેશ આહિર લક્ઝરી બસ લઇને ત્યાંથી જતો રહ્યો હતો.ત્યાર બાદ તેની સાથે આવેલ જયદેવસિંહ ગોહિલ ઈકો ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો.જયદેવસિંહ ગોહિલના કહેવાથી ભાવેશ બસ લઇને જતો રહ્યો હતો અને જયદેવસિંહે રવિભાઈને ધમકી આપીને કહ્યું હતું કે તુ તારા શેઠ સાથે વાત કરી લેજે.ઘટના સંદર્ભે લક્ઝરી બસના ચાલક રવિભાઈ પટેલે ઉપરોક્ત બન્ને ઈસમો ભાવેશ પ્રભુભાઈ આહિર રહે.લખીગામ તા.વાગરા અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ રહે.દહેજ તા.વાગરાના વિરૂધ્ધ દહેજ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




