(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગરના ભાઠાકંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલું આદિવાસી સ્મશાનગૃહ સુધી જવા માટે કોઈ રોડ રસ્તો તેમજ નાળું કે પુલ ન હોવાથી વર્ષોથી ડાધુઓને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થઈને અંતિમયાત્રા લઈ જવાની ફરજ પડી રહી છે. ભર ચોમાસામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી નનામી લઈ જવી પડતી હોવાથી સ્થાનિક આદિવાસી સમાજ હેરાનપરેશાન થયો છે.
નેત્રંગ નગરમાં કુલ ત્રણ સ્મશાન આવેલા છે. જેમાં શ્રીજી ફળિયા પાસે અને રેલવે બ્રિજ પાસે અમરાવતી નદીના કિનારે બે સ્મશાન છે. જ્યારે ત્રીજું સ્મશાન ભાઠાકંપની વિસ્તારમાં નદીના સામે કિનારે આવેલું છે. આ સ્મશાનમાં ભાઠાકંપની ફળિયાના લોકો ઉપરાંત નવી વસાહત, ફોકડી, વડપાન, કોસયાકોલા અને લાલમંટોડી વિસ્તારના આદિવાસી લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે છે.
આ સ્મશાન ગૃહ બંને તરફથી વહેતી અમરાવતી નદી વચ્ચે આવેલું છે.સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું છે,પરંતુ જવા માટે કોઈ નિશ્ચિત રસ્તો નથી. લાલમંટોડી અને કોસયાકોલાના લોકોને ખેતરમાંથી થઈને અને એક કોતર પાર કરીને જવું પડે છે. ચોમાસામાં આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
ભાઠાકંપની સહિતના વિસ્તારના લોકોએ તો લાકડા અને અન્ય સામગ્રી સાથે નનામીને પણ નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર કરવી પડે છે. વૈકલ્પિક રીતે ટ્રેક્ટર-ટ્રેલરમાં સામાન લઈ જવા માટે ૨ થી ૩ કિ.મી.નો લાંબો ફેરો ફરવો પડે છે.
તા.૨૫-૦૭-૨૬ ના રોજ ફોકડી ગામના શાંતિબેન શંકરભાઈ વસાવાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે ડાધુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અગાઉ પણ આ સ્મશાન સુધી જવા માટે રોડ રસ્તો અને નાળું બનાવવા માનવ અધિકાર પંચ, ગાંધીનગર સુધી રજૂઆત થઈ ચૂકી છે.તેમ છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.વિકાસની વાતો વચ્ચે ગરીબ આદિવાસી પ્રજાને અંતિમ સંસ્કાર માટે પણ આવી હાલાકી ભોગવવી પડી રહી છે.
સ્થાનિક લોકોની માંગ છે કે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી અમરાવતી નદી પર નાળું તેમજ રોડ દુરસ્તત બનાવે.
નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીના સામે કિનારે આવેલું હોવાથી નનામી લઈ જતાં ડાધુઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે.




