– મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા ખસેડાઈ
ભરૂચ,
જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતા શ્વાનના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગામની મહિલાને શ્વાનના ટોળાએ હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ માં રહેતી ફરજાના ઈમરાન યાકુબ પટેલ પોતાના નિવાસસ્થાનની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે અચાનક રખડતા શ્વાનના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.હુમલા દરમ્યાન મહિલાને મોં,નાક અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાને શ્વાનના હુમલા માંથી બચાવી સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબોએ મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી.જોકે તેઓને ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરી હાલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.જેના કારણે ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોએ તંત્રને રખડતા શ્વાનોના ત્રાસથી કાયમી મુક્તિ અપાવવા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અને જીવલેણ ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.




