આમોદ,
સંત શિરોમણી રોહિદાસ મહારાજની આગામી ૬૫૦મી જન્મજયંતિના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દેશભરમાં વિવિધ સ્થળોએ ગુરુપૂજન કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેના અનુસંધાને આમોદ શહેરના વોર્ડ નંબર ૬ ખાતે આવેલા બળિયાદેવ મહારાજના મંદિરે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કમલેશ મકવાણાના આયોજન હેઠળ ભાવસભર ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત સંત શિરોમણી રોહિદાસ મહારાજની છબીને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સંત રોહિદાસ મહારાજની છબીને ફૂલહાર અર્પણ કરી ગુરુપૂજન કર્યું હતું.આ સાથે ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ સંત રોહિદાસ તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની છબીને ફૂલહાર અર્પણ કરી તેમની પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત ભાજપના પદાધિકારીઓને ફુલહાર અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જીવનમાં જે વ્યક્તિ પાસેથી જ્ઞાન, માર્ગદર્શન, સંસ્કાર કે પ્રેરણા પ્રાપ્ત થઈ હોય અથવા જેમણે વ્યક્તિના જીવન અને કારકિર્દીના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય,તેમને ગુરુ તરીકે સ્વીકારી તેમની પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા છે.તેમજ જેની પાસેથી તમને કંઈક શીખવા મળ્યું હોય કે કોઈ તમને રાજકારણમાં લાવ્યું હોય અને તમારી રાજકીય કારકિર્દી બની હોય તેમને ગુરુ માની આદરભાવ વ્યકત કરવા જણાવ્યું હતુ.
ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કમલેશ મકવાણા તેમજ નવીન મકવાણાએ સંત શિરોમણી રોહિદાસ મહારાજના જીવનચરિત્ર, તેમના સમાનતા અને સમાજ સુધારણાના વિચારો અંગે પ્રાસંગિક વક્તવ્ય આપી ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, શહેર મહામંત્રી ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચીયા, અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા પ્રમુખ જયંતીભાઈ મારવાડી, ભરૂચ જિલ્લા આદિજાતિ મોરચાના મંત્રી સતિષ વસાવા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો,સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ગુરુભક્તિના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




