ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઓનલાઈન બેઠક યોજી ડિઝાસ્ટર કામગીરીની સમીક્ષા કરી

SHARE:

– ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક

– સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી જોવા ન જવા અને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા જિલ્લાના પ્રભારીમંત્રીની આમ નાગરિકોને અપીલ

– અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત માહિતી જ માનવા આરોગ્યમંત્રીનો અનુરોધ : સોશ્યલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

– જિલ્લામાં NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય : ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાહત અને બચાવ માટે સતત કાર્યરત

ભરૂચ,

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે રાજ્યના આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભરૂચ જિલ્લા કલેક્ટર તથા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સાથે ઓનલાઈન મિટિંગ યોજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સમીક્ષાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાના પ્રભારીમંત્રીએ તમામ અધિકારીઓને પૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરી જિલ્લામાં ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ (ઝીરો જાનહાનિ) સુનિશ્ચિત કરવા અને ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે અગાઉના વર્ષોમાં જે નીચાણવાળા કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેવા તમામ વિસ્તારો તેમજ ફેક્ટરીઓ, ખેતરો, ફાર્મહાઉસ અને અન્ય જોખમી સ્થળોએથી લોકોને ફરજિયાતપણે સલામત આશ્રયસ્થાનો ખાતે ખસેડવાની (સ્થળાંતર કરવાની) કામગીરી કરવા જણાવ્યું હતું.

સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે આશ્રયસ્થાનો ખાતે શુદ્ધ તથા સાત્વિક ભોજનની વ્યવસ્થા અને આરોગ્ય વિષયક સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવા જણાવાયું છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યાં કરંટ લાગવાના અકસ્માતો ન બને તે માટે DGVCL તંત્રને આગોતરી જાહેરાત કરીને વીજ પુરવઠો બંધ કરવા અને સતત સ્ટેન્ડબાય મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે.જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે વાગરા, અંકલેશ્વર, ઝઘડિયા અને વાલિયા ખાતે NDRF અને SDRFની ટીમોને પૂર્વ-તૈયારીના ભાગરૂપે તૈનાત કરી દેવામાં આવે તેમજ આ ટીમો કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ‘ક્વિક રિસ્પોન્સ’ આપી શકે તે મુજબનું સક્ષમ આયોજન ઘડી કાઢવામાં માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં સોશ્યલ મીડિયા પર ફેલાતી અસત્ય અફવાઓ પર નજર રાખવા માટે પોલીસ તંત્ર અને સ્થાનિક તલાટી કમ મંત્રીઓને સંપૂર્ણ એલર્ટ રહેવા જણાવાયું છે.નાગરિકોએ અફવા, કોઈપણ બિનઅધિકૃત કે ખોટી માહિતી પર વિશ્વાસ કરવો નહીં. મીડિયાના માધ્યમથી કલેક્ટર કચેરી દ્વારા દર કલાકે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓને જ ધ્યાને લેવી. રાખવી. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લાના પ્રભારીમંત્રીએ જિલ્લાના નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરતા ઉમેર્યું કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.આ પરિસ્થિતિમાં દરેક નાગરિકની સુરક્ષા એ સરકારની પ્રાથમિકતા છે.તેમણે તમામ નાગરિકોને આગામી ૨૪ કલાક સુધી ઘર કે સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાડી કે નદી કિનારે પાણી જોવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!