નર્મદામાં વરસાદના રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’ : ૭૨ કલાકમાં ૧૦૧ સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યા

SHARE:

– ૨૫ સગર્ભાઓની સફળ ડિલિવરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’ કરીને ૭૨ કલાકમાં ૧૦૧ સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યા છે જયારે ૨૫ સગર્ભાઓની સફળ ડિલિવરી થઈ છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થઇ શકે તેવા વિસ્તારોમાંથી આરોગ્ય ટીમો દ્વારા તા. ૩૦ જુલાઈ થી ૧ ઓગસ્ટ દરમિયાન ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી ૧૪૨ સગર્ભા બહેનોની સર્વે કરીને ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી ૧૦૧ જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી હતી. આ આગોતરા આયોજનના પરિણામે, શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી ૨૫ સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.આ અંગે વિગતો આપતા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવા જણાવે છે કે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ૬, નાંદોદ તાલુકાના ૬, ચિકદા તાલુકાના ૫, સાગબારા તાલુકાના ૪, તિલકવાડા તાલુકાના ૩ અને દેડીયાપાડા તાલુકાના ૧ એમ કુલ મળી ૨૫ પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. હાલમાં તમામ ૨૫ નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે.નાની રાવલના સગર્ભા નયનાબેન તડવીના પરિવારજનોએ આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે વરસાદના રેડ એલર્ટને પગલે તેઓની ચિંતા હતી કે, નયનાબેનને સમયસર હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડીશું, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની સતર્કતા અને સુઆયોજિત કામગીરીના પરિણામે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી તેમને સમયસર ગરુડેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સુરક્ષિત પ્રસૂતિ કરવામાં આવી. હાલમાં માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!