– દુર્ઘટના ન સર્જાય તે માટે કુંડીઓ ફરતે બેરીકેટ મુક્યા
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા તાત્કાલિક એક્શનમાં આવી અને શહેરભરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે પાલિકાની ટીમોએ સતત મોનિટરિંગ સાથે કામગીરી ચાલુ રાખી હતી. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર એવા કસક વિસ્તારમાં ડ્રેનેજની કુંડીઓ ખોલી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો.જેના કારણે પાણીનો પ્રવાહ સરળ બન્યો અને રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટ્યું હતું.કુંડીઓ ખુલ્લી હોવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે પાલિકા દ્વારા સ્થળ પર બેરીકેડિંગ કરીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.જેથી વાહનચાલકો અને રાહદારીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
આ દરમ્યાન મોદી ગાર્ડન નજીક આવેલા ભારતી રો હાઉસ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ મળતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા તેમજ પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી શરૂ કરાવી હતી.
નગરપાલિકાની સમયસર અને સતત કામગીરીના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતાં ટ્રાફિક વ્યવસ્થા મોટા ભાગે યથાવત રહી હતી. પાલિકાની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સતત મોનીટરીંગ અને પાણીના નિકાલની કામગીરીમાં વ્યસ્ત રહી હતી.જેથી ભારે વરસાદ વચ્ચે પણ નાગરિકોને શક્ય તેટલી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.




