ભરૂચ,
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઈલિંગ માટે A4 સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ભરૂચ સહિત રાજ્યભરના બાર એસોસિએશ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.નવા નિયમોના વિરોધમાં ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો.
વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ,પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ નિર્ણયને કારણે વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
વિરોધના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા.તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.વકીલોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.
દરમ્યાન મહત્વપૂર્ણ વિકાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધને ધ્યાનમાં રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે A4 પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પાડેલા પરિપત્રના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.હાઈકોર્ટના આ નિર્ણયને પગલે વકીલોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ ઉપરાંત ગુજરાતના અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશન દ્વારા હડતાળ અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી હતી.




