(સંજય પટેલ, જંબુસર)
જંબુસર તાલુકાના કહાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રાવરીવગા વિસ્તારમાં રહેતા કાંતાબેન ઠાકોરભાઈ પઢિયાર નામની વૃદ્ધ મહિલા ઘરેથી પરિવારજનોને જાણ કર્યા વિના નીકળી ગયા હતા.ત્યાર બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન આજે કહાનવા ગામથી માસરીવગા તરફ જતા માર્ગની બાજુમાં આવેલી એક તલાવડીમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
ઘટનાની જાણ વેડચ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ફાયર વિભાગના જવાનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે તલાવડીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.ત્યાર બાદ મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે જંબુસરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.સમગ્ર મામલે વેડચ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




