ભરૂચના ધોળીકુઈ બજારમાં આંકફરકનો હાઈટેક જુગાર રમાડતા એક ડૉક્ટર સહિત બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ

SHARE:

– રોકડા રૂપિયા ૬૦૦૫૦,મોબાઈલ ફોન તથા જુગારની ચેટના ૧૪ પાનાના સ્ક્રીનશોટ પ્રિન્ટ મળી કુલ ૮૦, ૦૫૦ નો મુદ્દામાલ કબ્જે

– આંક ફરકનો હાઈટેક જુગાર રમાડતા ડૉક્ટર ભાજપના કાર્યકર : અગાઉ પણ એસઓજીમાં ઝડપાઈ ચુક્યા 

ભરૂચ,

ભરૂચના ધોળીકુઈ બજારમાં આવેલ ક્લિનિક બહારથી જ સારવાર આપવાના બદલે આંક-ફરકનો હાઈટેક જુગાર રમાડતા એક ડૉક્ટર સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદાર મારફતે ચોક્કસ વિગત મળી હતી કે ધોળીકુઈ બજાર ખાતે વખારીયા ક્લિનિક ચલાવતા ડૉ. મનોજ ચંપકલાલ વખારીયા જાહેરમાં ઉભા રહીને લોકો પાસેથી આંક-ફરકના આંકડા મેળવી પૈસા વડે જુગાર રમાડી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે તટસ્થ પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.ક્લિનિક પાસે મોબાઈલમાં મગ્ન ડૉક્ટરને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

પોલીસે સ્થળ પર જ ડૉ.મનોજ વખારીયાનો મોબાઈલ ચેક કરતા તેમાં વોટ્સએપ એપ્લિકેશન દ્વારા આંક-ફરકના આંકડાઓનું નેટવર્ક સામે આવ્યું હતું.તપાસ દરમ્યાન ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો કે ડૉક્ટર અને તેના સાથીદાર અનિલભાઈ માણેકલાલ મહેતા બંને સાથે મળીને લોકોને ૧ ના ૧૦ ની લાલચ આપી તેમની પાસેથી વોટ્સએપ ચેટ પર આંકડા લખતા હતા. ત્યારબાદ રોજેરોજનો હિસાબ અને વલણ નક્કી કરીને ઝાડેશ્વરના તરન મોદી નામના ઈસમ સાથે નાણાંની લેવડ-દેવડ કરતા હતા.આ રીતે ડિજિટલ માધ્યમથી વોટ્સએપ દ્વારા આંક-ફરકનો આંકડાકીય જુગાર રમાડવામાં આવતો હતો.ડૉક્ટરની પૂછપરછ બાદ પોલીસે તેના સાથીદાર અનિલ મહેતાને પણ પકડી પાડ્યો હતો. બંને આરોપીઓની અંગઝડતી કરતા પોલીસને રોકડા રૂપિયા ૬૦૦૫૦,મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા જુગારની ચેટના ૧૪ પાનાના સ્ક્રીનશોટ પ્રિન્ટ મળી આવ્યા હતા.પોલીસે કુલ ૮૦, ૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે વલણ લેનાર મુખ્ય સૂત્રધાર તરન મોદીને પણ પકડી લેવાયો હતો.ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પકડાયેલ ડૉ. મનોજ વખારીયા અને અનિલ મહેતા તેમજ તરન મોદી સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.સમાજમાં જવાબદારીભર્યું સ્થાન ધરાવતા ડૉક્ટર જ જુગારની આ બદીમાં સંડોવાયેલા નીકળતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ડૉક્ટર મનોજ વખારીયા ભજપનો કાર્યકર હોય અગાઉ બોગસ ડોક્ટરના ગુનામાં પણ ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.ત્યારે પુનઃ આંક ફરકના જુગારમાં ઝડપાતા અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!