આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

SHARE:

– ડી.જેના તાલ સાથે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રૂ.૫ લાખના ખર્ચે બનેલા ‘બિરસા મુંડા પીક અપ સ્ટેન્ડ’નું લોકાર્પણ કર્યું

ભરૂચ,

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ આમોદ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી ડી.જે.ના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં આમોદ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને વેશભૂષાની ઝલક જોવા મળી હતી.

રેલીમાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તીર-કામઠાં સાથે જોડાયા હતા.આદિવાસી ગીતોના તાલે યુવાનો તેમજ ભાઈઓ બહેનો ઝૂમી ઊઠ્યા હતા.સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ રેલીમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ જોડાયા હતા.તેમની સાથે આમોદ શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા આમોદ શહેરમાં આદિવાસી એકતાનો મહાસાગર ઉમટ્યો હોય તેવું લાગતું હતું.

વિશાળ રેલી આમોદ ચોકડી ખાતે પહોંચ્યા બાદ ધારાસભ્ય ડી.કે.સ્વામીની ગ્રાન્ટમાંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પીક અપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આ પીક અપ સ્ટેન્ડનું નામકરણ ‘બિરસા મુંડા પીક અપ સ્ટેન્ડ’ તરીકે કરવામાં આવ્યું હતું.

પીક અપ સ્ટેન્ડને ભગવાન બિરસા મુંડાનું નામ આપવામાં આવતા આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.લોકાર્પણ બાદ રેલી આગળ પ્રસ્થાન કરી તિલક મેદાન ખાતે પહોંચી હતી.જ્યાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ચોકડી ખાતે પીક અપ સ્ટેન્ડનું નામકરણ ભગવાન બિરસા મુંડાના નામે કરવામાં આવ્યું છે.તેમણે આદિવાસી સમાજમાં વ્યાપેલા વિવિધ પ્રકારના વ્યસનોને દૂર કરવા માટે સૌને સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સમાજના ભાઈ-બહેનો શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે અને સમાજ તથા દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આદિવાસી સંગઠનના તાલુકા પ્રમુખ નટવરભાઈ રાઠોડે વિશ્વ આદિવાસી દિવસની રેલીને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.ખાસ કરીને ધારાસભ્ય ડી.કે. સ્વામી, પોલીસ તંત્ર, પાલિકા તંત્ર તેમજ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના ભાઈ-બહેનોનો આભાર વ્યકત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!