(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી નૃત્ય પ્રવાસીઓનું આકર્ષણ બન્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની આદિવાસી સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા “ગામીત ઢોલ નૃત્ય” નું સુંદર આયોજન કરાયું હતું.
SOUADTGA અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓના પરંપરાગત આદિવાસી લોકનૃત્યોનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં તાપી જિલ્લાના લોક કલાકારો દ્વારા પરંપરાગત “ગામીત ઢોલ નૃત્ય’ની જીવંત રજૂઆત કરવામાં આવી હતી
ગામીત ઢોલ નૃત્ય દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વસતા ગામીત આદિવાસી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ છે. ઢોલના ગાજતા તાલ, પરંપરાગત વેશભૂષા, સામૂહિક નૃત્યની અનોખી શૈલી તથા લોકજીવન સાથે સંકળાયેલા ભાવો આ નૃત્યને વિશિષ્ટ બનાવે છે.આ નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ ગામીત સમાજની પરંપરા, સામાજિક એકતા, પ્રકૃતિ પ્રત્યેનો આદર અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિબિંબ પણ છે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના અનુભવી લોક કલાકારો પોતાની પરંપરાગત કળાની રજૂઆત કરી હતી.તેમની આ જીવંત રજૂઆત દેશ-વિદેશથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, લોકજીવન અને પરંપરાઓને નજીકથી જાણવાની અનોખી તક પૂરી પાડશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા આવા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.




