– 25 થી 30 ગામના ખેડૂતો આ કેન્દ્ર પર નિર્ભર હોય સરકાર વધુ જથ્થો આપે તેવી રજુઆત
(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના અનેક ગામો માંથી દૂર-દૂરથી ખેડૂતો ધી જંબુસર તાલુકા કો.ઓ.પરચેઝ એન્ડ સેલ યુનિયન લી ખાતે ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે,પરંતુ પૂરતું ખાતર ન મળતાં નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે,પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે.
ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી લાઈનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી, જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી.ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રને માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય.
તો આ બાબતે મેનેજર જે ટી પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઉનાળા માં જે જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો તે સિવાય અન્ય ચાર ગાડી જથ્થો આવેલ છે.જે સ્ટોક છે તે પ્રમાણે ખેડૂતોને સવારે ટોકન આપી ખાતરનું વિતરણ કરવામાં આવે છે.આ કેન્દ્ર પર 25 થી 30 ગામના ખેડૂતો નિર્ભર હોય તો જરૂરી ખાતર મળે તો ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો પૂરો પાડી શકીએ.




