– ફસાયેલા ડ્રાઈવરને કરજણ ફાયર ટીમે ૪૫ મિનિટની ભારે જેહમત બાદ ઉગારી લીધો
ભરૂચ,
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતર ટોલ પ્લાઝા નજીક આજે સવારે ૮ વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસીસનો માલસામાન ભરીને સુરત તરફ જઈ રહેલી ટ્રકે આગળ ઊભેલી અન્ય એક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતના આ ભયાનક ધડાકામાં ટ્રકનો કેબિનનો ભાગ ભીંસાઈ જતાં તેના ડ્રાઈવર સલમાનખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા.જેથી એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલરૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો.
ત્યારે કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથધરી હતી અને હાઈડ્રોલિક ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરી ધાતુના કટકા કાપીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.અંદાજે ૪૫ મિનિટની ભારે જેહમત અને ત્વરિત કામગીરી બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો.




