– ફન ઈન્ડિયા ડેરી માંથી કામ પતાવીને ઘરે જતા અકસ્માત નડ્યો
ભરૂચ,
આમોદના મલ્લા તળાવ પાસે આજ રોજ સાંજે ૬:૧૫ કલાકે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર પિતરાઈ ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ આમોદના મલ્લા તળાવ પાસે આજે સાંજે આશરે ૬:૧૫ વાગ્યાના અરસામાં ભરૂચથી જંબુસર તરફ જઈ રહેલી એક કાર અને આમોદથી ઘમણાદ તરફ જઈ રહેલી બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર આમોદ તાલુકાના ઘમણાદ ગામે રહેતા શુભમસિંહ રાજ અને દીપુબેન રાજ સવાર હતા.
શુભમસિંહ રાજ અને દીપુબેન રાજ બંને પિતરાઈ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે.બંને આમોદની ફન ઈન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.આજે કામ પૂર્ણ થયા બાદ બંને એક જ બાઈક પર સવાર થઈ પોતાના ગામ ઘમણાદ તરફ જઈ રહ્યા ત્યારે મલ્લા તળાવ નજીક ભરૂચ તરફથી જંબુસર તરફ જઈ રહેલી કાર સાથે તેમની બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક ઉપર સવાર બંને ભાઈ બહેન રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.અકસ્માતનો અવાજ સાંભળતા મલ્લા તળાવ નજીકના શોપિંગ વિસ્તારમાં હાજર સંજયસિંહ રાજ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમયસૂચકતા દાખવી બંને ઈજાગ્રસ્તોને મદદ કરી તાત્કાલિક ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં શુભમસિંહ રાજને આંખ તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે દીપુબેન રાજને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.બંનેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.




