– દુકાન માલિકે સવારમાં દુકાન ખોલી ત્યારે સિગારેટના વિવિધ પેકેટો અને રોકડ રકમ ચોરાઈ હોવાની જાણ થઈ
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીવાર રાત્રીચોર સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે,તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે એક દુકાનમાંથી તસ્કરો રોકડ રકમ અને સિગારેટના વિવિધ પેકેટો મળીને કુલ રૂપિયા ૯૮,૩૮૦ ની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
મળતી વિગતો મુજબ રાજપારડી નગરના ચાર રસ્તા નજીક પીયુશ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે.દુકાનના ઉપરના ભાગે દુકાન માલિકનું પરિવાર રહે છે અને નીચે દુકાન આવેલી છે.દુકાન માલિકે તા.૮ મીના રોજ રાત્રે સાત વાગ્યે રોજિંદા સમય મુજબ દુકાન બંધ કરી હતી.ત્યાર બાદ સવારે તેઓએ રાબેતા મુજબ દુકાન ખોલી ત્યારે દુકાનના અંદરના ભાગે પ્રવેશ કરતા દુકાનમાં છુટા પૈસાના સિક્કા વેરણછેરણ પડેલા જણાયા હતા.તેથી દુકાનમાલિક ડાહ્યાભાઈ પટેલે દુકાનના ઉપરના ભાગેથી તેમના દિકરા પીયુશને બુમ પાડીને બોલાવ્યો હતો. તેઓએ દુકાનમાં તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો દુકાનના શટરનું તાળું તોડીને દુકાનમાં ઘુસીને રોકડ રકમ તેમજ અન્ય કેટલોક સામાન ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી.તસ્કરો દુકાનમાં પ્રવેશીને દુકાનના ગલ્લામાં મુકેલ રૂપિયા ૧૦,૨૦ અને ૫૦ ના મૂલ્યની ચલણી નોટો અને પરચૂરણ સિક્કા મળી કુલ રૂપિયા ૩૦૦૦૦ રોકડા,ચાંદીના બે ગ્રામના સિક્કા નંગ ૨૦ તેમજ સિગારેટ અને તમાકુના વિવિધ જાતના પેકેટો મળી કુલ રૂપિયા ૯૮૩૮૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.ચોરીની આ ઘટના સંદર્ભે દુકાન માલિક પીયુશ ડાહ્યાભાઈ પટેલ રહે.નિલકંઠ સોસાયટી રાજપારડી જી.ભરૂચનાએ દુકાનમાં ઘુસીને ચોરી કરનાર અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




