– વિભાજનની વેદનાને સ્મરીને બલિદાન આપનાર નાગરિકોને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ભરૂચ,
ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનને સ્મરણમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સ્મૃતિ કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિભાજન સમયના ઐતિહાસિક સંઘર્ષ, નિર્દોષ નાગરિકોની યાતનાઓ અને દેશની એકતા-અખંડિતતાના મહત્વને ઉજાગર કરતી ચિત્ર પ્રદર્શની તથા ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક કરુણ ઘટનાથી પરિચિત કરાવવાના ઉદ્દેશથી નુક્કડ નાટક ભજવાયું હતું.વિભાજનના કરુણ પ્રસંગો અને તે સમયની પરિસ્થિતિ અંગે સ્મરણ તથા સંવેદનાત્મક રજૂઆતો દ્વારા એકતા, શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન રાજ,જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, કોલેજના આચાર્ય,પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




