(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની સીમમાં પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમતા છ ઈસમોને પોલીસે રૂપિયા ૧૨૫૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસ સ્ટાફને દારૂ જુગારની ડ્રાઈવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે થવા ગામની સીમમાં મોહન નદીના કિનારે આવેલ એક ખેતરના શેડા પર લિમડાના ઝાડ નીચે બેસીને કેટલાક ઈસમો પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સ્થળ ઉપર કેટલાક ઈસમો કુંડાળું વળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું.પોલીસે કોર્ડન કરીને સ્થળ ઉપર જુગાર રમતા છ ઈસમોને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ રૂપિયા ૧૨૫૪૦ ના મુદ્દામાલ સાથે કુલ છ ઈસમો વિજય સુકલાલભાઈ વસાવા,અરૂણ ધર્મેન્દ્રભાઈ વસાવા,અજય મહેન્દ્રભાઈ વસાવા તથા હરેશ ધર્મેન્દ્રભાઈ વસાવા ચારેય રહે.ગામ થવા તા.નેત્રંગ તેમજ સમીર એહમદભાઈ કુરેશી તથા રઉફભાઈ ઈબ્રાહિમભાઈ કાગઝી બન્ને રહે.નેત્રંગનાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.નેત્રંગ પંથકમાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાવાની ઘટનાને પગલે પંથકમાં શ્રાવણીયો જુગાર રમતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.




