રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ

SHARE:

– ભારતીય ભાષા સંસ્કૃતના ગૌરવ તથા સાંસ્કૃતિક વારસાનો સંદેશ આપતી યાત્રામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા

– નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખના હસ્તે ભિલરાજાની પ્રતિમા ખાતેથી પ્રસ્થાન થયેલી પદયાત્રા શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થતાં નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ભાષા, જ્ઞાન-પરંપરા અને સાંસ્કૃતિક વારસાની પ્રતીક સમાન દેવભાષા સંસ્કૃત પ્રત્યે જનમાનસમાં ગૌરવ અને અભિમાનની ભાવના પ્રબળ બની રહે તેવા શુભ આશય સાથે રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ હતી

નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખના હસ્તે ભિલરાજાની પ્રતિમા ખાતેથી સંસ્કૃત ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભ પૂર્વે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા અષ્ટકમ, સંસ્કૃત શ્લોકોચ્ચારણ સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. શંખનાદ સાથે પ્રસ્થાન કરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતા મંદિર પરિસર ખાતે પહોંચી સંપન્ન થઈ હતી.

ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરાને સમૃદ્ધ બનાવનાર સંસ્કૃત ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન અને આધ્યાત્મિક પરંપરાના જ્ઞાનનો અમૂલ્ય વારસો છે. સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ સાથે નવી પેઢીને તેના મહત્વ અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો સંદેશ પણ આ ગૌરવયાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો.

યાત્રા દરમ્યાન વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત તેમજ ગુરુકુળ પ્રણાલીને ઉજાગર કરતા વેશભૂષા ધારણ કરી હાથમાં વિવિધ સંસ્કૃત શ્લોકો અને સંદેશસભર પોસ્ટરો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત શ્લોકોની સુમધુર ગૂંજથી સમગ્ર નગરનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. માર્ગમાં નગરજનો દ્વારા ફૂલોની વર્ષા કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સંસ્કૃત ગૌરવયાત્રામાં ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર સ્વરૂપને ઉજાગર કરતી પ્રાચીન ગુજરાતી ગરબાની ઝલક પણ જોવા મળી હતી. સંસ્કૃત ભાષા અને ભારતીય લોકપરંપરાના આ સુમેળે યાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!