– બે દિવસ પહેલા રાત્રીના સમયે કાનવ શાહ સાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો : પરિવારે શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો
– પોલીસમાં અરજી કરતા તપાસ આરંભી હતી : ફાયરના જવાનોને બે દિવસ નદીમાં શોધખોળ કરતા મૃતદેહ મળતા પોલીસે કાર્યવાહી કરી
ભરૂચ,
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટી માંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો છે.આજે ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે મૃતદેહ નો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પ્ર આવેલ નિજધામ સોસાયટીમાં રહેતા ધીરેન શાહનો પુત્ર કાનવ બે દિવસ પહેલા ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા તે ગુમ હતો.પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.દરમ્યાન ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવતા કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.ત્યાર બાદ ફાયર વિભાગ અને પોલીસની ટીમે નદી તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.સાથે જ નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી હતી.આ દરમ્યાન આજે ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ફાયર ટીમને કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં માતા-પિતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.પુત્રનો મૃતદેહ જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું અને શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથધરી હતી.કિશોરના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.




