– સંત રોહિદાસ મહારાજની ૬૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પવિત્ર માટીનું પૂજન કરાયું
ભરૂચ,
આમોદમાં સંત શિરોમણી રોહિદાસ મહારાજની ૬૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નીકળેલી સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સંત રોહિદાસ મહારાજના જન્મસ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર માટીનો કળશ આમોદનગરમાં આવી પહોંચતા સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી કમલેશ મકવાણા, મોરચાના ઉપપ્રમુખ મનીષ મકવાણા, મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલ, પાલિકા સદસ્ય રશ્મિકા પરમાર સહિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમરસતા કળશ યાત્રાના આમોદ આગમન પ્રસંગે આગેવાનોએ પોતાના માથે પવિત્ર માટીનો કળશ ધારણ કરી યાત્રાનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ સંત રોહિદાસ મહારાજના જન્મસ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર માટીનું પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને સામાજિક સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો.
પૂજનવિધિ પૂર્ણ થયા બાદ પવિત્ર માટીને આમોદના વણકરવાસમાં આવેલા રામદેવપીર મંદિર નજીક વડના વૃક્ષ નીચે સમર્પિત કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ સંત રોહિદાસ મહારાજના આદર્શો અને સમરસતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સંત રોહિદાસ મહારાજની ૬૫૦ મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યોજાયેલી સમરસતા કળશ યાત્રામાં સામાજિક એકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.




