(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા હિન્દૂ દેવસ્થાન સમિતિ ની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહે કર્યો સખત વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે રાજપીપલાના હિંન્દુ દેવસ્થાનો માટે રચાયેલી નવી સમિતિ અંગે વાંધા નોંધાવી, સમિતિની રચના રદ્દ કરી પરંપરા અને વારસાને અનુરૂપ વ્યવસ્થા કરવા બાબતે યુવરાજ માનવેન્દ્રસિંહે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે નવી નિમણૂકમાં રાજકીય પાર્ટીના લોકોનો સમાવેશ થયો એનાથી રાજવી પરિવાર નારાજ થયો છે.વધુમાં યુવરાજ માનવેન્દ્રસિંહે કહ્યું કે અમારા રાજવી પરિવાર દ્વારા માતાજી ને રાજપીપલા લાવવામાં આવ્યા હતા.રાજવી પરિવારમાંથી માત્ર મારુ જ નામ રાખવામાં આવ્યું છે અમે બીજા પણ નામ આપ્યા હતા.પણ તે લીધા નથી અને સીધા રાજકીય લોકોના નામો ઘુસાડી દીધા છે જેની સામે મારો સખત વિરોધ છે.રાજપરિવાર સાથે પરામર્શ કર્યા વિના નિમણૂક કરવામાં આવી છે.મંદિરમાં ધર્મની વાતમાં રાજકીય લોકો ના આવવા જોઈએ એવું માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું .આ નિમણૂક માં રાજવી પરિવાર ના વંશજ ના હોઈ તો અમને અન્યાય થયો છે.25 વર્ષ થી મંદિર ના આર્થિક વ્યવહાર નું ઓડિટ પણ કરવામાં નથી આવ્યુંએવો પણ ગંભીર આક્ષેપ તેમણે મુક્યો હતો.
તેમણે એવી પણ માંગ કરી છે કે તાજેતરમાં રચાયેલી હિન્દુ દેવસ્થાન સમિતિની રચના તાત્કાલિક રદ્દ અથવા સ્થગિત કરવામાં આવે અને આ અંગે યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી નવા નામોનું લિસ્ટ તથા અન્ય વહીવટી કાર્યવાહી આગળ વધારવામાં ન આવે.અને દેવસ્થાનોની નવી સમિતિમાં કોઈપણ રાજકીય પક્ષ,રાજકીય સંગઠન અથવા રાજકીય જૂથ સાથે સક્રિય રીતે સંકળાયેલ વ્યક્તિને સભ્ય તરીકે નિયુકત કરવામાં ન આવે.સમિતિ સંપૂર્ણપણે નિષ્પક્ષ, બિનરાજકીય અને દેવસ્થાનોની પરંપરા, વારસા તથા ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતી હોવી જોઈએ.
રાજપીપલાના દેવસ્થાનો કોઈ સામાન્ય વહીવટી મિલકત નથી તે આપણા પૂર્વજોની અમૂલ્ય ધરોહર અને રાજપીપલાની ઐતિહાસિક ઓળખનો અભિન્ન હિસ્સો છે.તેથી આ સમગ્ર બાબતમાં યોગ્ય, પારદર્શક, નિષ્પક્ષ અને પરંપરાનું સન્માન જળવાય તેવો નિર્ણય લેવા રજૂઆત કરાઈ હતી.




