– હિટ એન્ડ રનની ઘટનાના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો : કાર ચાલક સામે ગુનો દાખલ કરવાની કરી કવાયત કરી
ભરૂચ,
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક ગતરોજ દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે કારચાલકે બેફામ હંકારી હિટ એન્ડ રનની ઘટના સર્જી હતી.કારચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લેતા ચાર જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્મિક રીતે બનેલી આ ઘટનામાં કારચાલકે અનેક વાહનોને પણ અડફેટે લેતા વાહનોને મોટું નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથધરી હતી.દારૂના નશામાં કાર ચલાવી બેફામ રીતે વાહન હંકારી અનેક લોકોને અડફેટે લેવાની ઘટનાથી ધોળીકુઈ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે બુટલેગરનો પુત્ર હોવાનો ઈજાગ્રસ્તોએ આક્ષેપ કર્યા હતા.
ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




