(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
બારડોલી ખાતે યોજાયેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર-કોલેજ ક્રોસ-કન્ટ્રી સ્પર્ધામાં રાજપીપળાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના રમતવીરોએ અદ્વિતીય પ્રદર્શન કરી સમગ્ર કોલેજનું ગૌરવ વધાર્યું છે. ક્રોસ-કન્ટ્રી જેવી કઠિન અને પડકારજનક રમત, જેમાં અવિરત પરિશ્રમ, અડગ ધૈર્ય, શારીરિક ક્ષમતા અને અખૂટ સંકલ્પશક્તિની કસોટી થાય છે, તેમાં કોલેજના ભાઈઓ તથા બહેનો બંનેની ટીમોએ શાનદાર દેખાવ કરી ડબલ સિદ્ધિ હાંસલ કરી છે.
૧૦ કિલોમીટરની દોડ સ્પર્ધામાં ભાઈઓની ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ હાંસલ કરી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બહેનોની ટીમે રનર્સ-અપ રહી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ બંને સિદ્ધિઓના પરિણામે શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ પોતાની રમતગમતની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે.
વ્યક્તિગત પ્રદર્શનમાં ભાઈઓની સ્પર્ધામાં સુદામ વસાવાએ દ્વિતીય સ્થાન મેળવી કોલેજનું નામ રોશન કર્યું હતું. જ્યારે બહેનોની સ્પર્ધામાં કરિશ્મા વસાવાએ દ્વિતીય અને હેમા વસાવાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.આ રમતવીરો હવે આગામી ઈન્ટર-યુનિવર્સિટી સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર કોલેજ પરિવાર માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે કોલેજના પ્રાઆચાર્ય ડૉ.શૈલેન્દ્રસિંહ માંગરોલા, જીમખાના ચેરમેન ડૉ.રાહુલ ઠક્કર, શારીરિક શિક્ષણના ડૉ.કમલ ચૌહાણ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે વિજેતા રમતવીરોને હાર્દિક અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી.કોલેજ પરિવારે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ આ જ ઉત્સાહ, શિસ્ત અને સમર્પણ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવપૂર્વક રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના રમતવીરોની આ સિદ્ધિ માત્ર એક સ્પર્ધામાં મળેલો વિજય નથી, પરંતુ સતત મહેનત, સંકલ્પ અને રમત પ્રત્યેના સમર્પણનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.આ ડબલ સિદ્ધિએ કોલેજના રમતગમત ક્ષેત્રે નવી આશાઓ અને નવી ઊંચાઈઓના દ્વાર ખોલ્યા છે.




