ભરૂચ,
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા કમ્યુનિટી પોલીસિંગ અને સી-ટીમના કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી ખાસ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની લીટલ મિલેનિયમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, રસ્તા પર અવરજવર કરતી વખતે સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરવા સહિતની મહત્વપૂર્ણ બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ચોકલેટ, ખાવાની વસ્તુ કે અન્ય કોઈપણ વસ્તુ સ્વીકારવી નહીં તે અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. અજાણી વ્યક્તિ કોઈપણ બહાને સંપર્ક કરે તો તેની સાથે ન જવું અને તાત્કાલિક માતા-પિતા, શિક્ષક અથવા પોલીસને જાણ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા બાળકોને સમજણ વધુ સરળતાથી મળે તે માટે નાટકના માધ્યમથી વિવિધ પરિસ્થિતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. નાટક દ્વારા અજાણ્યા વ્યક્તિથી સાવચેત રહેવું, કોઈ લાલચમાં ન આવવું અને મુશ્કેલીના સમયે કોની મદદ લેવી તે અંગે રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી.સાથે જ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી, મુસાફરોની સુરક્ષા, રેલવે પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જરૂરિયાતના સમયે પોલીસની મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભરૂચ રેલવે પોલીસના આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો, વ્યક્તિગત સુરક્ષા અને પોલીસની કામગીરી અંગે સમજણ વધવા સાથે ‘સાવચેતી જ સુરક્ષા’નો મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.




