ભરૂચ,
આમોદ તાલુકાના દોરા ગામમાં રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.દોરા ગામમાં સેન્ટ્રલ બેંક નજીક મહાકાય મગર દેખાતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને મગરને જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા.
મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની જાણ જીવદયા પ્રેમીને ગામ માંથી ફોન કરવામાં આવતા ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક જીવદયા પ્રેમીએ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાનો સંપર્ક કર્યો હતો.વન વિભાગના અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમીએ ઘટના સ્થળે પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.મહાકાય અને અંદાજે ૧૨ ફૂટ લાંબા મગરને રહેણાંક વિસ્તાર માંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ત્યાર બાદ વન વિભાગની સૂચના મુજબ મગરને તેના નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં ગામ લોકોમાં ચિંતા જોવા મળી હતી.જોકે સમયસર રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.




