(સંજય પટેલ,જંબુસર)
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન અંગે જાગૃતિ વધારવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.હોસ્પિટલના અંજનાબેન સોનીના માર્ગદર્શન હેઠળ ડૉ.હર્ષ વસાવાના નેતૃત્વમાં તથા જલારામ બ્લડ સેન્ટરના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમ્યાન હોસ્પિટલના સ્ટાફ તેમજ રક્તદાન માટે આગળ આવેલા રક્તદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ નિયમિત રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી શકે તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે હરીશભાઈ પારેખ, મોન્ટુભાઈ રાજ, રાહુલભાઈ જાદવ,રઉફભાઈ સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના તબીબો, સ્ટાફ તથા જલારામ બ્લડ સેન્ટરની ટીમ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પના માધ્યમથી “રક્તદાન એ મહાદાન”ના સંદેશને સાર્થક કરતા રક્તદાતાઓએ સામાજિક જવાબદારી નિભાવી હતી. હોસ્પિટલ દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




