ભરૂચ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ૨૦૦ શાહુકારોને તંત્રએ આપી કારણદર્શક નોટિસ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ, ૨૦૧૧ અને નિયમો, ૨૦૧૩ હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને સામાન્ય નાગરિકોનું શોષણ અટકે તે હેતુથી શાહુકારોના નિબંધકની કચેરી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર પરેશ કણકોટીયાના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારી આદિત્ય સિંધવ તથા ટીમ દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવતા કુલ ૨૦૦ શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

કાયદાની જોગવાઈ મુજબ તમામ લાયસન્સધારક શાહુકારોએ દર માસની ૧ થી ૫ તારીખ સુધીમાં લોનની વિગતો દર્શાવતું નિયત નમૂના નંબર-૧૧ નું પત્રક સરકારી ઓનલાઈન પોર્ટલ (ecooperative.gujarat.gov.in) પર ફરજિયાત સબમીટ કરવાનું હોય છે. આ ઉપરાંત શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા છેલ્લા વર્ષના નાણાકીય હિસાબો, ઓડિટ રિપોર્ટ તેમજ કુલ આવક-જાવકના વ્યવહારોની વિગતો મંગાવવામાં આવેલ છે. તપાસ દરમિયાન મોટાભાગના શાહુકારો દ્વારા પોર્ટલ પર સમયસર વિગતો અપલોડ ન કરવા. હિસાબોનું ઓડિટ ન કરાવવા જેવી બેદરકારી સામે આવતા કલમ-૨૧(૨)(ક)(૧) કલમ-૨૩ તથા કલમ-૪૩ હેઠળ દિન-૧૫ માં ખુલાસો કરવા આદેશ અપાયો છે. જો નિયત સમયમાં સંતોષકારક ખુલાસો નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.

શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વધુમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં નીલ પત્રક કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે.આ ઉપરાંત સરકારી ધારાધોરણો અને નિયત વ્યાજદર મુજબ તારણવાળા ધિરાણ માટે વાર્ષિક ૧૨% તથા તારણ વિનાના ધિરાણ માટે વાર્ષિક ૧૫% કરતા વધુ વ્યાજ વસૂલતા કે ગેરકાયદે ધિરાણની પ્રવૃત્તિ આચરતા તત્વો સામે સામાન્ય જનતાના હિતમાં આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!