– ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શિક્ષક દિન નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ
ભરૂચ,
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિના ઉપલક્ષમાં “શિક્ષક દિન” ની ઉજવણી કરવામાં આવે છે.જેના અનુસંધાનમાં પ્રાર્થના વિદ્યાલય, ભરૂચમાં તા.૫.૯.૨૬ નાં રોજ “શિક્ષક દિન” ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી.વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર અભ્યાસકાર્ય કરાવ્યું હતું.આ પ્રસંગે શિક્ષકોની ભૂમિકા ભજવેલ શિક્ષકોએ “શિક્ષણકાર્ય કરાવવું ખૂબ જ કપરું છે.”-એવો મત વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત,શાળાનાં શિક્ષકો માટે “શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન કાર્યક્રમ” નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ”નાં ડાયરેક્ટર અને સિનીયર પત્રકાર રશ્મિકાંતભાઈ કંસારા અને “સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ” નાં સ્થાપક સંજયભાઈ તલાટી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત વક્તાઓનુ શાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.જિજ્ઞેશભાઈ પટેલ અને શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વક્તા રશ્મિકાંત કંસારાએ “જીવન જીવવાની જડીબુટ્ટી” વિષય પર વિવિધ ઉદાહરણ આપી સમજૂતી આપી હતી.તેઓએ યોગ્ય સંસ્કારસિંચન વડે બાળકોના આદર્શ જીવનઘડતર વિશે જરૂરી સૂચનો કર્યા હતા.વક્તા સંજયભાઈ તલાટીએ ‘શિક્ષકો એ શિક્ષણજગતના કરોડરજ્જુ સમાન છે’ એમ જણાવ્યું હતું.તેઓએ બાળકમાં રહેલ આંતરિક શક્તિઓને બહાર લાવી, તેમનામાં રહેલી ક્ષમતાઓને ઓળખવા ખાસ અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત,આજનાં પાવન અવસર નિમિત્તે ઉપસ્થિત મહેમાનઓ,શાળા મેનેજિંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્યા શ્રુતિબેન પટેલ દ્વારા તમામ શિક્ષકોને “શિક્ષક દિન” ની શુભેચ્છાઓ પાઠવી હતી.



