– કાર માલિક કારના વ્હિલરમાં હવા ભરતા હતા તે તકનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમો થેલી ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાવાઈ
(વિજય વસાવા,નેત્રંગ)
વાલિયા ખાતે કારમાં પંચર થતા વ્હિલમાં હવા ભરતા કાર માલિકની નજર ચુકવીને કારમાં મુકેલ રોકડ રકમ અને બેન્ક પાસબુકો ભરેલ થેલી કોઈ અજાણ્યા ઈસમ ઉઠાવી ગયા હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ ફરિયાદ મુજબ
વાલિયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર સામે પાર્ક કરેલી કારમાંથી અજાણ્યા તસ્કરો કારમાં ડેશબોર્ડ પર મુકેલી થેલી ચોરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.થેલીમાં રોકડા રૂપિયા ૩૦,૦૦૦ સહિત પરિવારના સભ્યોની અલગ-અલગ બેંકોની ૮ ચેકબુક અને ૮ પાસબુક મુકેલી હતી.ઘટના અંગે કાર માલિકે વાલિયા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ વાલિયા તાલુકાના ઘોડા ગામે રાજપૂત ફળિયામાં રહેતા પહાડસિંહ મોહનસિંહ ખેર (ઉં.વ.૭૬) તહેવારો અગાઉ ખેતીના કામ માટે પૈસાની જરૂર હોવાથી તા.૩૧/૦૮/૨૦૨૬ના રોજ તેમના પૌત્ર ભાર્ગવસિંહ સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વાલિયા શાખામાં ગયા હતા.ત્યાં પત્ની કલાવતીબેનના ખાતા માંથી રૂપિયા ૩૦,૦૦૦ ઉપાડ્યા બાદ, વાલિયા એગ્રો માંથી ખેતીની દવાના બાકી નાણાંનું એસ્ટીમેટ કઢાવવા માટે ગયા હતા.આ દરમ્યાન ગાડી એગ્રી બિઝનેસ સેન્ટર સામે રોડની સાઈડમાં પાર્ક કરી હતી.
એગ્રો સેન્ટર માંથી પરત ફરી ગાડીમાં બેસવા જતા પૌત્ર ભાર્ગવસિંહનું ધ્યાન ડ્રાઈવર સાઈડના પાછળના વ્હિલમાં પંચર હોવા તરફ ગયું હતું.આથી પહાડસિંહે રૂપિયા ૩૦,૦૦૦ રોકડા, ચાર બેંકોની ૮ ચેકબુકો (જેમાં કેટલીક સહી કરેલી હતી) તથા ૮ પાસબુકો ભરેલી થેલી ગાડીના ડેશબોર્ડ પર મુકી હતી. ત્યારબાદ તે લોકો કારમાં રહેલી પંચર કિટ અને પંપ વડે વ્હિલમાં હવા ભરી પરત ગાડીમાં બેઠા ત્યારે ડેશબોર્ડ પર મુકેલી થેલી ગાયબ થયેલ જણાયું હતું.
આસપાસમાં ભારે શોધખોળ કરવા છતાં થેલી ન મળતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.ત્યાર બાદ તહેવારો આવતા હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો.આખરે તા.૦૬/૦૯/૨૦૨૬ ના રોજ તેમણે વાલિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.



