ભરૂચ,
આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના બ્રીજ ઉપરથી રાત્રીના સમયે ઓવરલોડ વાહનોની અવરજવર થતી હોવાથી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સંબંધિત તંત્ર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.ઢાઢર નદીના બ્રીજ ઉપર ૨૫ ટનથી વધુના વજન ધરાવતા વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં જંબુસર તરફથી મીઠું ભરેલી ભારે ટ્રકો રાત્રિના સમયે બ્રીજ પરથી પસાર થઈ હતી જેના કારણે બ્રીજની સલામતી સામે ચિંતા ઉદભવી છે.જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર અને બ્રીજની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં તેનો કડક અમલ થતો નથી. જંબુસર તરફથી આવતી ઓવરલોડ મીઠું ભરીને પોલીસની મહેરબાનીથી પસાર કરવામાં આવી રહી છે.ચોંકાવનારી બાબત એ છે કે હેઝાર્ડ વેસ્ટના લખેલી ટ્રકમાં ઓવરલોડ મીઠું ભરવામાં આવ્યું હતું.ત્યારે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ઢાઢર નદીના બ્રીજના બંને છેડા તરફ પોલીસની રાઉન્ડ ધ ક્લોક ફરજ હોવા છતાં જો ઓવરલોડ વાહનો નિયમિત રીતે પસાર થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.ત્યારે ઓવરલોડ ટ્રકોની અવરજવર અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.બ્રીજની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વજનના વાહનો સતત પસાર થતા બ્રીજની સલામતી અંગે પણ ચિંતા ઊભી થઈ હતી. જોકે ઢાઢર નદીના બ્રીજ ઉપર ભારદારી વાહનોની અવરજવરથી તિરાડો પણ જોવા મળી હતી.



