તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં આક્રોશ : વાગરાના વાવ ગામે BVC કંપનીના કેમિકલ વાહનને ગ્રામજનોએ રસ્તા પર જ અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો

SHARE:

ભરૂચ,
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વાવ ગામે ઔદ્યોગિક પ્રદૂષણ અને તંત્રની નાપાક નિષ્ક્રિયતાનો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.BVC કંપની માંથી અત્યંત તીવ્ર અને અસહ્ય દુર્ગંધ મારતું કેમિકલ ભરીને જઈ રહેલા ટેમ્પાને વાવના સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર જ અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ ઝેરી કેમિકલની દુર્ગંધ એટલી ભયાનક હતી કે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી.જેના કારણે સમગ્ર ગામમાં ભારે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. સામાન્ય રાહદારીઓ, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના જીવને જોખમમાં મૂકીને ગામના સાંકડા માર્ગો પરથી અનધિકૃત રીતે પસાર થતા કંપનીઓના આ રાક્ષસી ભારે વાહનો સામે ગ્રામજનોમાં ચરમસીમાએ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ શરમજનક અને ચોંકાવનારી બાબત તો એ છે કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જવાબદાર સરકારી તંત્રએ આ ગંભીર ઘટના સમયે પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કરી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ દુર્ગંધની હોનારત અંગે જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી કે.એન વાઘમશીને જાણ કરવામાં આવતા તેમણે આ વિસ્તાર GIDCમાં આવે છે.તેમ કહીને જવાબદારી માંથી છટકબારી શોધી લીધી હતી.જ્યારે સામે પક્ષે GIDC તંત્ર દ્વારા ફોન પર યોગ્ય પ્રતિસાદ આપવાની પણ તસ્દી લેવાઈ ન હોવના ઓન આક્ષેપ થઈ રહ્યા છે.તંત્રના આ અસંવેદનશીલ અને બેજવાબદાર વલણ વચ્ચે BVC કંપનીના અધિકારીઓ પણ કોઈ જ સ્પષ્ટ ખુલાસો આપવાને બદલે ગોળગોળ જવાબો આપીને સમગ્ર મામલા પર પડદો પાડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.અગાઉ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગ પરથી કંપનીના વાહનોની અવરજવર પર પ્રતિબંધ દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, કંપની દ્વારા તમામ નિયમોના ધજાગરા ઉડાડીને ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂતકાળમાં નાળું બનાવવાની આપેલી શરતી પરવાનગીનો ગેરફાયદો ઉઠાવીને કંપની જાહેર સલામતી સાથે ખેલ ખેલવામાં આવી રહી છે. જો BVC કંપની પાસે નિયમસરના પરિવહનના કાયદેસરના પુરાવા અને સલામતીના દસ્તાવેજો હોય, તો તે જાહેર કરવામાં કેમ થરથરી રહી છે? વાવ ગામની આ ઘટનાએ કેમિકલ પરિવહનની કાયદેસરતા અને પર્યાવરણીય સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે નિદ્રાધીન GPCB, GIDC અને સ્થાનિક પંચાયત કડક હાથકામ લઈને આ કંપની સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને ભ્રષ્ટ પદ્ધતિથી આ ભયાનક ગુના પર ધૂળ વાળી દેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!