આમોદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા

SHARE:

– ઉભો પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે જગતનો તાત પાયમાલ બનવાની ભીતિ
ભરૂચ,
આમોદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર તથા દવાઓનો ખર્ચ કરીને ખેતરોમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું.જોકે, છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતાં પાકને પૂરતું પાણી ન મળવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ખેતરમાં લહેરાતો ઉભો પાક હાલ વરસાદની રાહ જોઈ રહ્યો છે.જો આગામી દિવસોમાં સમયસર વરસાદ નહીં વરસે તો ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ વાવેતર પહેલાં બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિતના વિવિધ ખર્ચ કર્યો છે.પાક તૈયાર થવાની આશા સાથે કરાયેલા આ ખર્ચ બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો સામે પાક બચાવવાનો પડકાર ઊભો થયો છે.એક તરફ ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે,ત્યારે બીજી તરફ વરસાદની અનિશ્ચિતતાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વરસાદ નહીં પડે અને ઉભો પાક સુકાઈ જશે તો તેમની સમગ્ર મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં જવાની સ્થિતિ સર્જાઈ શકે છે.પરિણામે અનેક ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તો તેની અસર માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નહીં રહે ખેત ઉત્પાદન ઘટવાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે.જેના કારણે સામાન્ય લોકો ઉપર પણ મોંઘવારીનો વધારાનો બોજ આવી શકે છે.
હાલ ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે અને સૌ કોઈ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.જો આગામી દિવસોમાં વરસાદ થાય તો પાકને રાહત મળી શકે તેમ છે.
વરસાદના અભાવે જો પાકને નુકસાન થાય તો ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ પ્રબળ બની છે.હવે આમોદ પંથકના ખેડૂતો માટે આગામી દિવસોમાં મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે તેના પર સૌની નજર છે. સમયસર વરસાદ વરસે અને ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!