– જંબુસર મામલતદારની કોર્ટે ઈસ્માઈલ પટેલને 92,308 અને સોફિયા પટેલને 1,21,154 મળી 2,13,462 રૂપિયા જમા કરવા હુકમ કર્યો
– પંચાયતને થયેલ આર્થિક નુકશાનની ભરપાઈ માટે 7 દિનમાં નાણાં જમા કરાવવા હુકમ
– દંડની રકમ સમય મર્યાદામાં ભરપાઈ ન કરે તો વસુલ લેવા કાર્યવાહી
– હુકમ સામે વાંધો હોય તો દિન 60 માં નાયબ કલેકટરને અપીલ કરી શકાશે
ભરૂચ,
જંબુસર તાલુકાના સારોદ ગામની ગ્રામ પંચાયતમાં આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટના ગેરવહીવટના કારણે થયેલા આર્થિક નુકસાનને લઈને વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.મામલતદાર જંબુસરની કોર્ટમાં ચાલેલી ગુજરાત પંચાયત અધિનિયમની વિવિધ કલમો હેઠળની કાર્યવાહી બાદ જેતે વખતના બે સરપંચો પાસેથી ગ્રામ પંચાયતને થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.હુકમમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આર.ઓ.ફિલ્ટર પ્લાન્ટના ગેરવહીવટને કારણે ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન થયું હતું.જે અંતર્ગત ઈસ્માઈલ અહેમદ પટેલ પાસેથી રૂપિયા 92,308 તથા તત્કાલીન સરપંચ સોફિયાબેન ઈસ્માઈલ પટેલ પાસેથી રૂપિયા 1,21,154 વસૂલ કરવાનો હુકમ કરાયો છે.આમ બંને પાસેથી કુલ રૂપિયા 2,13,462 ની રકમ ગ્રામ પંચાયતના નુકસાનની ભરપાઈ તરીકે વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુકમમાં આ રકમ સરકારના અન્ય વહીવટી સેવાઓ હેઠળ જમા કરાવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. મામલો માત્ર કાગળ પરની નોંધ સુધી સીમિત રહ્યો નથી. હુકમમાં જણાવ્યા પ્રમાણે અગાઉ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન સરપંચો પાસેથી રકમ વસૂલવા હુકમ કરાયો હતો અને ત્યાર બાદ મામલતદાર સમક્ષ કાર્યવાહી આગળ વધી હતી. આ દરમિયાન જુદા જુદા સમયગાળા માટે થયેલા હિસાબ અને સરપંચ તરીકેની જવાબદારીને આધારે વસૂલાતની રકમ નક્કી કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ખાસ બાબત એ છે કે મામલતદાર સમક્ષ રજૂ થયેલી દલીલોમાં આ કાર્યવાહી ફોજદારી કેસથી અલગ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.હુકમમાં ઉલ્લેખ છે કે ગ્રામ પંચાયતને થયેલા નુકસાનની વસૂલાત માટે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.સાથે જ અગાઉની ફોજદારી કાર્યવાહી અને હાલની વસૂલાતની કાર્યવાહી વચ્ચેનો તફાવત પણ રજૂ કરવામાં આવ્યો હતો.હુકમમાં વધુમાં જણાવાયું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં દંડ/વસૂલાતની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.એટલે હવે આ મામલો માત્ર સરકારી ફાઈલોમાં દબાઈ રહેવાનો નથી,પરંતુ હુકમ મુજબ રકમ વસૂલવા માટે આગળની કાયદેસરની કાર્યવાહીનો માર્ગ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.ગ્રામ પંચાયતના નાણાં અંગેની બેદરકારી સામે આ હુકમને મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.જાહેર નાણાંનો ઉપયોગ પારદર્શક અને જવાબદારીપૂર્વક થાય તે સ્થાનિક સ્વરાજ્યની મૂળભૂત જવાબદારી છે.આર.ઓ.પ્લાન્ટ જેવા જાહેર હિતના કામમાં ગેરવહીવટના કારણે પંચાયતને નુકસાન થયું હોવાનું સત્તાવાર કાર્યવાહીમાંથી સામે આવતાં જવાબદારી નક્કી કરવામાં આવી છે.હવે જોવાનું એ રહેશે કે હુકમ મુજબ રૂપિયા 2.13 લાખની સંપૂર્ણ વસૂલાત સમયસર થાય છે કે નહીં.



