આમોદનું સરકારી પશુ દવાખાનું કે જોખમનું મકાન? : છતના પોપડા લટકી રહ્યા છે છતાં તંત્રની આંખે પાટા!

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં પશુઓની સારવાર માટે કાર્યરત સરકારી પશુ દવાખાનાની જર્જરિત હાલત હવે ગંભીર ચિંતાનો વિષય બની છે.વર્ષોથી મરામતના અભાવે દવાખાનાની ઈમારત ખખડી રહી છે અને છત તથા ધાબા પરથી પોપડા ઊખડીને નીચે પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડોક્ટરના ચેમ્બર ઉપર પણ છતના પોપડા લટકતી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીં ફરજ બજાવતા ડોક્ટર-કર્મચારીઓ તેમજ સારવાર માટે આવતા પશુપાલકોની સુરક્ષા સામે સીધો સવાલ ઊભો થયો છે. સરકારી દવાખાનું એટલે લોકો માટે સુરક્ષિત સારવારનું સ્થળ હોવું જોઈએ, પરંતુ આમોદનું પશુ દવાખાનું હાલ ખુદ જોખમમાં હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. ઈમારતની હાલત એવી છે કે છત પરથી પોપડો ક્યારે તૂટી પડે અને નીચે ઉભેલા વ્યક્તિને ઈજા પહોંચે તે કહેવું મુશ્કેલ છે. રોજિંદી કામગીરી દરમિયાન ડોક્ટર, કર્મચારીઓ, પશુપાલકો અને અન્ય નાગરિકો આ જોખમી માળખા નીચે આવવા મજબૂર છે. આવી સ્થિતિમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.સ્થાનિક પશુપાલકોમાં પણ તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. પશુપાલકોનો આક્ષેપ છે કે દવાખાનાની ઈમારત વર્ષોથી જર્જરિત હોવા છતાં તેની યોગ્ય મરામત કે વૈકલ્પિક વ્યવસ્થા માટે સમયસર પગલાં લેવામાં આવ્યા નથી. વધુ ચોંકાવનારી વાત એ છે કે અગાઉ નવા પશુ દવાખાનાના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું કહેવાય છે. તો પછી એ ગ્રાન્ટનો ઉપયોગ કેમ ન થયો? ગ્રાન્ટ પરત ગઈ હોય તો શા માટે ગઈ? અને જવાબદાર તંત્ર દ્વારા તે અંગે શું કાર્યવાહી કરવામાં આવી? આવા સવાલોના જવાબ હવે તંત્રએ જાહેર કરવા જરૂરી બન્યા છે.હવે ફરી એકવાર નવા પશુ દવાખાનાના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની માહિતી સામે આવી છે. પરંતુ કાગળ પરની મંજૂરી અને ટેન્ડરથી પશુપાલકોની હાલની સુરક્ષા સુનિશ્ચિત થતી નથી. નવા મકાનનું બાંધકામ શરૂ થઈ પૂર્ણ થાય ત્યાં સુધી હાલની જર્જરિત ઈમારતમાં જ કામગીરી ચાલુ રહેવાની હોય તો વચ્ચેના સમયગાળા દરમિયાન સુરક્ષાની જવાબદારી કોણ લેશે? આ સવાલનો સ્પષ્ટ જવાબ તંત્ર પાસે હોવો જોઈએ.જો અચાનક છતનો મોટો પોપડો તૂટી પડે અને ડોક્ટર, કર્મચારી, પશુપાલક કે કોઈ નિર્દોષ નાગરિકને ગંભીર ઈજા થાય તો પછી તંત્ર દોડતું થશે કે અગાઉથી જોખમની જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા તે સ્વીકારશે? અકસ્માત થયા બાદ વળતર અને તપાસ કરતાં પહેલાં જ જોખમી ઈમારતની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી કાર્યવાહી કરવી એ તંત્રની મૂળભૂત ફરજ છે. આમોદના પશુપાલકો અને નગરજનોની માંગ છે કે નવા પશુ દવાખાનાના મકાનનું કામ કોઈપણ પ્રકારની બિનજરૂરી વિલંબ વિના તાત્કાલિક શરૂ કરવામાં આવે. ત્યાં સુધી હાલની ઈમારતનું ટેકનિકલ સુરક્ષા નિરીક્ષણ કરાવી જોખમી ભાગોને તાત્કાલિક દૂર કરવામાં આવે અથવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે. સરકારી દવાખાનામાં સારવાર લેવા આવતા લોકો અને ફરજ બજાવતા કર્મચારીઓના માથે જ જોખમ લટકતું હોય તે સ્થિતિને હવે સામાન્ય ગણીને ચલાવી શકાય નહીં. દુર્ઘટના બનવાની રાહ જોવાને બદલે તંત્રે ચેતવું પડશે.નહીંતર આવતીકાલે જવાબદારી નક્કી કરવાની સ્થિતિ ઊભી થશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!