ઝઘડિયા જીઆઈડીસીની પરીખ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ૨.૭૦ લાખની કિંમતના કોપરની ચોરી : કંપનીનો ઓપરેટર જ સીસીટીવીમાં ઝડપાયો !

SHARE:

– ઓગસ્ટ મહિનામાં ત્રણ અલગ અલગ દિવસોએ કુલ ૨૦૦ કિલો કોપરની ચોરી : કંપનીના પ્લાન્ટ ઈન્ચાર્જે પોલીસ ફરિયાદ નોંધાવી

(જયશીલ પટેલ, ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં આવેલ પરીખ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રો-મટિરીયલ તરીકે વપરાતા મોંઘી કિંમતના કોપરની ચોરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા કર્મચારીએ જ સિક્યુરિટી અને મેનેજમેન્ટની નજર ચૂકવી તબક્કાવાર ૨૦૦ કિલો કોપર કિંમત રૂપિયા ૨,૭૦,૦૦૦ ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચના તવરા રોડ પર રહેતા અને પરીખ એન્ટરપ્રાઈઝમાં પ્લાન્ટ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા આકાશ હેમંતકુમાર સોનીએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારના સમયે કંપનીના યુનિટ હેડ રાકેશ પટેલે પ્લાન્ટ ઈન્ચાર્જને જાણ કરી હતી કે સિક્યુરિટી ગાર્ડ જિતેન્દ્ર શર્માએ એક કર્મચારીને કોપરની બેગ ચોરીને લઈ જતાં જોયો છે.આ બાતમીના આધારે કંપનીના પ્લાન્ટ ઈન્ચાર્જ તથા મેનેજમેન્ટે સીસીટીવી ફુટેજ તપાસતા સ્પષ્ટ થયું હતું કે કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો સંદીપકુમાર નિરંજનભાઈ રાવળ રહે.ગામ અવિધા તા.ઝઘડિયા પ્લાન્ટ માંથી ૨૫-૨૫ કિલોની કોપરની થેલીઓ દાદર પરથી નીચે ઉતારીને ચોરી કરી રહ્યો હતો.તા.૨૬ ઓગસ્ટના રોજ તે ૭૫ કિલો કોપર કિંમત રૂપિયા ૧,૦૧,૨૫૦ ચોરી ગયો હતો.ઓગસ્ટ માસમાં ત્રણ વાર ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.મેનેજમેન્ટે શંકાના આધારે અગાઉના દિવસોના સીસી ટીવી ફુટેજ ચકાસતા ચોંકાવનારો ખુલાસો થયો હતો સીસી ટીવી ફુટેજ મુજબ તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ નારોજ ૭૫ કિલો કોપર કિંમત રૂપિયા ૧,૦૧,૨૫૦, તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૬ ૫૦ કિલો કોપર કિંમત રૂપિયા ૬૭,૫૦૦ અને તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ૭૫ કિલો કોપર કિંમત રૂપિયા ૧,૦૧,૨૫૦ મળી કુલ ૨૦૦ કિલો કોપર કિંમત રૂપિયા ૨૭૦૦૦૦ ની ચોરી થઈ હોવાનું જણાયું હતું.આમ આરોપી સંદીપ રાવળે રિયેક્ટરમાં નાંખવા માટે ઇસ્યુ કરાયેલા કોપર માલ માંથી કુલ ૨૦૦ કિલો કોપર કુલ કિંમત રૂ. ૨,૭૦,૦૦૦ની ચોરી આચરી હોવાનું સામે આવતા સીસી ટીવી ફુટેજની સંપૂર્ણ ચકાસણી અને કંપની મેનેજમેન્ટ સાથે આંતરિક ચર્ચા-વિચારણા કર્યા બાદ ગતરોજ તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે કંપનીમાં થયેલ ચોરીના મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!