– 2023 માં રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા મજૂરો વચ્ચે પગારની રકમ બાબતે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી
ભરૂચ,
વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં મજૂરો વચ્ચે પગારની રકમ બાબતે થયેલા ઝઘડામાં એક મજૂરની હત્યા કરવાના કેસમાં ભરૂચની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી આરોપીને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
બનાવની હકીકત મુજબ 10 મે 2023ના રોજ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા મજૂરો વચ્ચે પગારની રકમ બાબતે બોલાચાલી થઈ હતી.આ દરમ્યાન આરોપી લાલબહાદુર કાદીર ગૌતમએ મજૂર અવધેશ દોબાલ ગૌતમ સાથે ઝઘડો કરી તેના માથાના ભાગે લોખંડના સેન્ટિંગના સળિયા વડે કુલ છ ઘા મારી સ્થળ પર જ નિર્મમ હત્યા કરી હતી.બનાવ અંગે દહેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ IPCની કલમ 302, 504 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી વિરુદ્ધ કોર્ટમાં તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું.
કેસની સુનાવણી દરમ્યાન સરકાર તરફથી વિશેષ સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડ દ્વારા કુલ 21 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ 17 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી ધારધાર દલીલો કરી હતી.કોર્ટે રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ આરોપીને દોષિત ઠેરવ્યો હતો.જેમાં નામદાર સેશન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટ દ્વારા 11 સપ્ટેમ્બર 2026ના રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી લાલબહાદુર કાદીર ગૌતમને IPCની કલમ 302, 504 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ આજીવન કેદની સજા તથા 50,000નો દંડ ફટકાર્યો છે.




