ઝઘડિયાના ખરચી ભીલવાડામાં જમીનની વાડ કરવા બાબતે વિવાદ : વૃધ્ધ ખેડૂતને ધારીયું બતાવી જાનથી મારી નાંખવાની ધમકી

SHARE:

– મામલો પોલીસ મથકે પહોંચ્યો:વૃધ્ધ ખેડૂતની ફરિયાદ મુજબ ગામના જ બે ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે વાડાની વાડ બનાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ વૃધ્ધ ખેડૂત સાથે ગાળાગાળી કરી ધારીયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે ઝઘડિયા પોલીસ મથકે બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર મૂળ ઝઘડિયા તાલુકાના ખરચી ભીલવાડાના વતની અને હાલ રાજપીપલા ખાતે રહેતા ૬૫ વર્ષીય ખેડૂત દલપતભાઈ કોયાભાઈ વસાવા ગતરોજ શનિવાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પોતાના મૂળ ગામ ખરચી ખાતે આવ્યા હતા. તેઓ મજૂરો મારફતે પોતાના ઘર સામે આવેલા વાડાની વાડ કરાવી રહ્યા હતા.દરમ્યાન ગામના જ રહીશ શૈલેશભાઈ કનુભાઈ વસાવા અને રાજુભાઈ રમેશભાઈ વસાવા ત્યાં આવી પહોંચ્યા હતા અને “આ અમારી જગ્યા છે, તું કેમ વાડ કરે છે?” તેમ કહી તકરાર કરી હતી.

ફરિયાદી દલપતભાઈએ ‘હું મારી જ જમીનમાં વાડ કરું છું’ તેમ કહેતા ઉશ્કેરાયેલા શૈલેશ વસાવાએ “આજે તો તને જાનથી મારી નાખીશ” કહી બોલાચાલી કરી હતી.ત્યાર બાદ શૈલેશ ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર (ધારીયું) લાવી બૂમાબૂમ કરવા લાગ્યો હતો. મામલો બિચકતાં વૃધ્ધ ખેડૂત ત્યાંથી પોતાના ઘરે જતા રહ્યા હતા અને બાદમાં ઝઘડિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

ઝઘડિયા પોલીસે ફરિયાદી દલપતભાઈ વસાવાની ફરિયાદના આધારે આરોપીઓ શૈલેશભાઈ કનુભાઈ વસાવા અને રાજુભાઈ રમેશભાઈ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!