ભરૂચ,
વડોદરા ખાતે યોજાયેલી સાત જિલ્લાની રિજનલ ગ્રીપ સમિટમાં ડૉ.રઘુવીરસિંહ પરમારની ડિજિટલ ડ્રગ મેનેજમેન્ટ સિસ્ટમની પ્રસ્તુતિને પ્રથમ ક્રમાંક મળ્યો હતો.
વડોદરા ખાતે સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ખાતે પ્રાદેશિક ડેપ્યુટી નિયામક ડૉ.સુરેન્દ્ર જૈનના અધ્યક્ષ સ્થાને વડોદરાના સાત જિલ્લાઓની રિજનલ ગ્રીપ સમિટ યોજાઈ હતી.આ સમિટમાં વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, ગોધરા, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલી વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નવીન કામગીરી અને સિસ્ટમ આધારિત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.સમિટમાં મેડિકલ કોલેજ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તેમજ સબ-સેન્ટર દ્વારા મોકલવામાં આવેલી ૫૦ થી વધુ પ્રસ્તુતિઓમાંથી શ્રેષ્ઠ ૧૮ પ્રસ્તુતિઓની પસંદગી કરવામાં આવી હતી. આ ૧૮ પ્રસ્તુતિઓ પૈકી ડૉ.રઘુવીરસિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલી ‘ડિજિટલ ડ્રગ મેનેજમેન્ટ સિસ્ટમ’ ને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.
ડિજિટલ ડ્રગ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ દવાઓના સ્ટોકનું ડિજિટલ માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવે છે દવા સ્ટોરમાં આવ્યા બાદ તેના સ્ટોકથી લઈને દવાના વપરાશ સુધીની સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરી શકાય છે.આ સિસ્ટમ દ્વારા દવાઓના સ્ટોક અંગેના ૧૦ થી વધુ મહત્વપૂર્ણ ઈન્ડિકેટર્સનું મોનિટરિંગ કરવામાં આવે છે.આ પ્રકારની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમથી આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના ઉપલબ્ધ સ્ટોક, વપરાશ અને જરૂરીયાત અંગે વધુ અસરકારક રીતે નજર રાખી શકાય છે. જેના પરિણામે દવાઓના વ્યવસ્થિત સંચાલન અને મોનિટરિંગમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધુ સુગમ બની શકે છે.સાત જિલ્લાઓની રિજનલ ગ્રીપ સમિટમાં અનેક પ્રસ્તુતિઓ વચ્ચે ડિજિટલ ડ્રગ મેનેજમેન્ટ સિસ્ટમને પ્રથમ સ્થાન મળતા ડૉ.રઘુવીરસિંહ પરમારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.




