વાગરાના પહાજમાં લોહિયાળ કાંડ! : 27 વર્ષીય વસીમ દિવાનની છરાના ઘાથી હત્યા કરી આરોપી ફરાર

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાના પહાજ ગામમાં ગત રાત્રે બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. વરસાદી રાત અને વીજળી ગુલ થતાં સર્જાયેલા અંધારાનો જાણે ગુનેગારે ખુલ્લેઆમ લાભ લીધો હોય તેમ 27 વર્ષીય વસીમ ઇકબાલ દિવાન પર ઘાતક છરાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હાથ,છાતી અને શરીરના અન્ય ભાગોમાં ઉપરાછાપરી ઘા ઝીંકાતા વસીમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. એક આશાસ્પદ યુવાનને આવી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે. હુમલા બાદ મિત્રો અને સ્થાનિકોએ જીવના જોખમે વસીમને બચાવી તાત્કાલિક સારવાર માટે વાગરા ત્યાર બાદ ભરૂચ અને અંતે વડોદરા ખસેડ્યો હતો. પરંતુ ડૉક્ટરોની તમામ કોશિશો નિષ્ફળ ગઈ અને મોડી રાત્રે સારવાર દરમ્યાન વસીમનું કરુણ મોત નિપજ્યું હતું.પરિવારનો જુવાનજોધ દીકરો ગુમાવતાં ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે ગામમાં પણ લોકો હત્યારાને ઝડપીને કડક સજા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

ઘટના બાદ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હુમલામાં વપરાયેલો હોવાનો દાવો કરાતો છરો અને અન્ય વસ્તુઓ દેખાતી હોવાના દાવાઓ થયા હતા. જોકે પોલીસ તપાસ પહેલાં વાયરલ દાવાઓને સાચા માનવા યોગ્ય નથી. હવે સમગ્ર ઘટનાનું સત્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે હુમલા પાછળનું સાચું કારણ શું હતું અને તેમાં અન્ય કોઈની ભૂમિકા હતી કે નહીં. વાગરા પોલીસે સમગ્ર મામલે સત્તાવાર કાર્યવાહી કરીને આરોપી આસિફ મહંમદ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 109(1) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસ દ્વારા આરોપીની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ ગુનો નોંધાયા બાદ પણ આરોપી ફરાર હોવાના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હવે સમગ્ર પંથકની નજર એક જ બાબત પર છે. આરોપી ક્યારે કાયદાની પકડમાં આવશે અને વસીમ દિવાનના પરિવારને ન્યાય ક્યારે મળશે? લોકોની માંગ છે કે માત્ર ધરપકડ પૂરતી નહીં, પરંતુ હત્યાના સમગ્ર કાવતરાની નિષ્પક્ષ, ઝડપી અને કડક તપાસ કરીને જવાબદારોને કાયદાનું સૌથી કઠોર દંડ અપાવવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!