400થી વધુ ડમી સિમકાર્ડથી વોટ્સએપ એક્ટિવ કરાવતું નેટવર્ક ભરૂચ સાયબર ક્રાઈમે ઝડપી પાડી 4 આરોપીને ઝડપી પાડ્યા

SHARE:

– 44 ફરિયાદમાં 6 કરોડથી વધુના ફ્રોડની કડી ખુલી

– ઓનલાઈન ટ્રેડિંગ અને ફોરેક્સમાં જંગી નફાની લાલચ આપી ભરૂચના નાગરિક પાસેથી રૂ.45.22 લાખની છેતરપિંડી સામે આવી

ભરૂચ,

ઓનલાઈન ટ્રેડિંગ અને ફોરેક્સમાં જંગી નફાની લાલચ આપી ભરૂચના નાગરિક પાસેથી રૂ.45.22 લાખની છેતરપિંડીના કેસની તપાસ દરમ્યાન ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ઠગોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે વડોદરા, દાહોદ અને રાજસ્થાન સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના મોબાઈલ ડિવાઈઝ માંથી છેલ્લા ત્રણ મહિનામાં 400થી વધુ સિમકાર્ડનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં આરોપીઓ આ સિમકાર્ડ પોતાના મોબાઇલમાં નાખી વોટ્સએપ એક્ટિવેશન માટે OTP મેળવતા અને 400થી વધુ મોબાઈલ નંબરો પર WhatsApp એકાઉન્ટ ચાલુ કરાવતા હોવાનું બહાર આવ્યું છે.ત્યાર બાદ આ નંબરો સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવવામાં આવતા હોવાની કડી મળી છે. NCCRP પર તપાસ કરતાં આ ડમી સિમકાર્ડ નંબરો વિરુદ્ધ કુલ 44 ફરિયાદો નોંધાયેલી હોવાનું તેમજ તેમાં રૂ.6 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થયાની માહિતી મળી છે.

આ કેસમાં ફરિયાદીને અજાણ્યા વ્યક્તિએ “Profit Strategy Room 27”નામના વોટ્સએપ ગ્રુપમાં જોડ્યો હતો. ઓનલાઇન ટ્રેડિંગમાં રોકાણથી વધુ વળતરની લાલચ આપી “MARK CM” એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સ્ટોક માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું.વિશ્વાસમાં લીધા બાદ અલગ-અલગ સમયે કુલ રૂ.45.22 લાખ આઠ બેંક ખાતામાં જમા કરાવાયા હતા.બાદમાં નાણાં ઉપાડવા માટે વધુ રૂ.56.41 લાખ જમા કરાવવાની માંગ કરાતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.

તપાસ દરમ્યાન આ વોટ્સએપ નંબરોનો ઉપયોગ કંબોડિયા, દુબઈ અને વિયેતનામ સહિતના દેશોમાં બેઠેલા સાયબર ઠગો દ્વારા ભારતીય નાગરિકોનો સંપર્ક કરવા માટે થતો હોવાની કડી પણ સામે આવી છે.

સાયબર ક્રાઈમ PI કે.ડી.માંગરોલિયાની આગેવાની હેઠળની ટીમે કરણ ભાષાણી, સર્વેશ ઉર્ફે ગનુ પાટીલ,સુબોધ શર્મા ઉર્ફે રાજુ અને આર્યનકુમાર ઉર્ફે લવ પંચાલની ધરપકડ કરી છે.પોલીસે ચાર મોબાઈલ ફોન સહિત રૂ.20 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!