– વાતાવરણમાં પ્રવર્તમાન ઉકળાટથી રાહત:ખેતીને જરૂરના સમયે પાણી મળતા ચોમાસું ખેતી સારી થવાની ખેડૂતોને આશા
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભાદરવાના પ્રારંભે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતા લોકોએ અસહ્ય બફારાથી રાહતનો અનુભવ કર્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘાએ પુનઃ પધરામણી કરી છે.પવિત્ર શ્રાવણ માસ સંપૂર્ણપણે કોરોકટ વિત્યા બાદ, ભાદરવા મહિનાના પ્રારંભે જ વરસાદે ગાજવીજ અને કાળાડિબંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે આગમન કરતાં સમગ્ર પંથકના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટથી ઘેરાયેલા તાલુકાવાસીઓને વરસાદી આગમનથી મોટી રાહત મળી છે.
ચાલુ વર્ષે શ્રાવણ માસ દરમ્યાન વરસાદે વિરામ લેતા ઝઘડિયા તાલુકાના ખેડૂતો વરસાદની કમીથી ભારે ચિંતામાં મુકાયા હતા. સતત તડકો અને ઊંચા તાપમાનના કારણે ચોમાસુ પાક સુકાઈ જવાની આરે પહોંચી ગયો હતો.સિંચાઈના પાણીની ખેંચ અને મેઘરાજાની અકળામણથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા.જોકે ભાદરવાના શનિ-રવિમાં જ વાતાવરણ પલટાયું હતું અને કુદરતે મહેર કરતા વરસાદનું આગમન થયું હતું.
ભાદરવાના પ્રારંભે ગાજવીજ સાથે વરસેલા વરસાદે ઝઘડિયા તાલુકાના કૃષિ ક્ષેત્રે સંજીવનીનું કામ કર્યું છે.કપાસ, તુવર સહિતના અન્ય ચોમાસુ પાકોને આ વરસાદથી નવું જીવન મળ્યું છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, જો આ સમયે વરસાદ ન પડ્યો હોત તો ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત. હવે ભાદરવો ભરપૂર વરસશે તેવી પ્રબળ આશા જાગતા જ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે.
વરસાદના આ સાનુકૂળ એંધાણથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સમગ્ર જનમાનસમાં ઉત્સાહનો સંચાર થયો છે.આસો મહિનામાં આવનારા ગરબા મહોત્સવ ‘નવરાત્રી’ અને પ્રકાશ પર્વ ‘દિવાળી’ જેવા તહેવારો હવે આર્થિક અને સામાજિક રીતે ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી આશા લોકોમાં જોવા મળી છે. સારા વરસાદથી તાલુકાના ઝઘડિયા,રાજપારડી,ઉમલ્લા જેવા વેપારી મથકોના બજારોમાં પણ રોનક પાછી ફરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.




