– ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો નકલી દવાઓના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા : નર્મદામાં પણ હવે કૃષિ દવાઓ પણ નકલી મળી રહી છે
– ખેતીવાડી વિભાગ તાત્કાલિક ધોરણે સર્વે કરી પીડિત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી
– નકલી દવા બનાવતી કંપનીઓ અને વેચતા એગ્રો સેન્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા સહિતના વિવિધ તાલુકાઓના ખેડૂતોએ કપાસના પાકમાં ‘ મોનોક્રોટોફોસ’ નામની દવાનો છંટકાવ કર્યો હતો.વરસાદ બાદ ખેડૂતોએ પિયત આપીને દવાનો છંટકાવ કર્યો ત્યારે શરૂઆતમાં કપાસનો છોડ સારો હતો પરંતુ આ દવા છાંટતાની સાથે જ સમગ્ર કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
એક જ ખેડૂતનો ૧૨ એકરનો કપાસ બગડી ગયો છે અને સમગ્ર જિલ્લામાં અનેક ખેડૂતો આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં કલેક્ટર, જજ અને અનાજ પણ નકલી મળી રહ્યા છે,ત્યારે હવે ખેડૂતોને વપરાતી દવાઓ પણ નકલી મળી રહી છે.માત્ર ચોમાસું પાક પર આખું વર્ષ જીવનગુજરાન ચલાવતા અને મોંઘા બિયારણ તથા ખાતર લાવીને મહેનત કરતા ખેડૂતો આજે આ નકલી દવાઓના કારણે પાયમાલ થઈ ગયા છે. દવા છાંટ્યા પછી કપાસમાં જે નવી ફૂટ આવે છે તે પણ સિંગલ, પતલા પાન જેવી અને કડક આવે છે, જેનાથી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.
નિરંજન વસાવાએ નર્મદા જિલ્લા પ્રશાસન અને ખેતીવાડી વિભાગના અધિકારીઓને વિનંતી કરતા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરવા માંગ કરી છે.તેમણે માંગણી કરી છે કે પીડિત ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય નુકસાનીનું વળતર આપવામાં આવે. આ ઉપરાંત જે કંપનીઓ દ્વારા આવી નકલી દવાઓ બનાવવામાં આવી છે અને જે દુકાનદારો દ્વારા તેનું વેચાણ કરવામાં આવ્યું છે, તેમની સામે તાત્કાલિક કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તિલકવાડા, ગરૂડેશ્વર અને અન્ય તાલુકાઓમાં આ નકલી દવાઓ વેચતી દુકાનોને તાત્કાલિક ધોરણે સીલ મારી દેવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત સાથે આવી છેતરપિંડી ન થાય.




