ભરૂચ,
દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક તથા વ્યૂહાત્મક પ્રતિષ્ઠાનોને ઉભરતા ડ્રોન અને હવાઈ ખતરાથી સુરક્ષિત કરવા માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને ડ્રોન ફેડરેશન ઑફ ઈન્ડિયા (DFI) વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.આ કરારનો મુખ્ય ઉદ્દેશ ડ્રોન ટેક્નોલોજી, કાઉન્ટર-ડ્રોન ક્ષમતા, તાલીમ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
CISFના જણાવ્યા અનુસાર CISF મુખ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં MPRTC, બેહરોડના DIG ડૉ. સી.ડી.નાઈક અને ડ્રોન ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ સ્મિત શાહ દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે CISFના મહાનિર્દેશક પ્રવીર રંજન સહિત દળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
3,000થી વધુ જવાનોને તાલીમ ડ્રોનના સંભવિત દુરુપયોગ અને તેનાથી ઊભા થતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને CISF દ્વારા અત્યાર સુધીમાં 3,000થી વધુ કર્મચારીઓને ડ્રોન તથા એન્ટી-ડ્રોન પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવી છે. CISFની આશરે 80 એકમો દ્વારા દેખરેખ, સર્વેલન્સ અને સંભવિત ખતરાની ઓળખ માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બેહરોડમાં બનશે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોનનું સેન્ટર ઑફ એક્સેલન્સ MoU અંતર્ગત બેહરોડ સ્થિત CISF રિક્રૂટ ટ્રેનિંગ સેન્ટર (RTC) ને ડ્રોન તથા કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ માટે સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકે વિકસાવવામાં આવશે.આ કેન્દ્ર દ્વારા સુરક્ષા કર્મચારીઓની ટેક્નિકલ ક્ષમતા વધારવા ઉપરાંત ડ્રોન આધારિત સુરક્ષા વ્યવસ્થાના ક્ષેત્રમાં સંશોધન અને તાલીમને પ્રોત્સાહન આપવામાં આવશે.
ડ્રોન ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા વિવિધ સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી કંપનીઓ સાથેના સહયોગથી CISFને નવીન ટેક્નોલોજી, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સહાય કરવામાં આવશે.
ડ્રોન ફોરેન્સિકથી લઈને હેકાથોન સુધીની પ્રવૃત્તિઓ
MoU હેઠળ સુરક્ષા જરૂરિયાતોને અનુરૂપ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP), પાયલોટ પ્રોજેક્ટ, ડ્રોન ફોરેન્સિક, સંયુક્ત કવાયત અને રેડ-ટીમિંગ અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નવી ટેક્નોલોજી અને સુરક્ષા ઉકેલો વિકસાવવા માટે હેકાથોન અને ચેલેન્જ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.
CISF અને DFI વચ્ચેનું આ સહયોગ દેશના મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો સામે ઉભા થઈ રહેલા ડ્રોન ખતરાને પહોંચી વળવા માટે ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને નવી દિશા આપશે. નવા ડ્રોન આધારિત જોખમોની ઓળખ, પ્રતિસાદ અને નિવારણ માટે CISFની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.




