– પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર રોડ ઉપર ટ્રક ઉભી રાખતા અકસ્માત સર્જાયો
ભરૂચ,
આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર- ૬૪ ઉપર સૂડી પાટિયા પાસે બાઇક ચાલક યુવક ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથધરી હતી.
આમોદ તાલુકાના નિણમ ગામનો ૨૧ વર્ષીય નિશાંત પીનાકીન પટેલ પોતાની બાઈક લઈને નોકરી અર્થે વિલાયત જી.આઈ.ડી.સી તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સુડી ગામમાં પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર ટ્રક નંબર જીજે ૧૬ ડબલ્યુ ૦૭૮૬ રોડ ઉપર ઉભી હતી.જે ટ્રક પાર્કિંગ લાઈટ વિના તેમજ ટ્રકની આસપાસ પૂરતી આડસ કે સુરક્ષા વ્યવસ્થા કર્યા વગર ઉભી રાખવામાં આવી હોવાથી બાઈક ચાલક ટ્રક સાથે ધડાકાભેર ભટકાયો હતો.જેમાં બાઈક ચાલક નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને મૃતદેહ પરત કર્યો હતો.
અકસ્મતાની ઘટનાની જાણ થતાં નિણમ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.ઘટનાની જાણ થતાં ગામના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
આ દરમિયાન ધારાસભ્ય ડી.કે.સ્વામીને જાણ થતા તાત્કાલિક આમોદ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું.આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથધરી હતી.




