ભરૂચમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ : 18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક તથા એસેસમેન્ટ કેમ્પનું આયોજન

SHARE:

ભરૂચ,

શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ALIMCO તથા સ્વામિનારાયણ ગોકુળધામ, નારના સંયુક્ત ઉપક્રમે ‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ અભિયાન અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અકસ્માત કે અન્ય કારણોસર હાથ-પગ ગુમાવી ચૂકેલા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ભરૂચમાં આશાનું નવું કિરણ બની શકે તેવા વિશેષ હાઈ-ટેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નવા પગલાં, નવી ઉડાન’ના સંકલ્પ સાથે 18 અને 19 સપ્ટેમ્બર, 2026ના રોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે નિઃશુલ્ક પ્રોસ્થેટિક લિમ્બ્સ તથા એસેસમેન્ટ કેમ્પ યોજાશે.

 

કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે 3D પ્રિન્ટેડ હાઈ-ટેક કૃત્રિમ હાથ અને પગ (Prosthetic Limbs) ઉપરાંત મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર જેવી સહાયક સાધન-સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવશે.

આ કેમ્પ ખાસ કરીને એવા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે મહત્વપૂર્ણ છે, જેમણે અકસ્માત કે અન્ય કારણોસર પોતાના હાથ અથવા પગ ગુમાવ્યા હોય. આધુનિક ટેક્નોલોજી આધારિત સહાયક સાધનોના માધ્યમથી તેમને રોજિંદા જીવનમાં વધુ આત્મનિર્ભર બનવામાં મદદ મળી શકે છે.જેમાં કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અથવા UDID કાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ, આવકનો દાખલો તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. કેમ્પ અંગે વધુ માહિતી તથા નોંધણી માટે 9638736174 અને 9875013038 નંબર પર સંપર્ક કરી શકાશે.

આ સમગ્ર આયોજનનો હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આયોજકો દ્વારા ભરૂચ તથા આસપાસના વિસ્તારોના વધુમાં વધુ દિવ્યાંગ લાભાર્થીઓ સુધી આ માહિતી પહોંચે અને તેઓ કેમ્પનો લાભ લે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પુરુષોત્તમ ચરણદાસજી પાટિલ કોઠારી સ્વામી, ટ્રસ્ટી હેતલભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ, હાર્દિકભાઈ સોની સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ ભાઈ-બહેનો માટે યોજાઈ રહેલા આ નિઃશુલ્ક કેમ્પની માહિતી જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે તો અનેક પરિવારો માટે આ પહેલ ઉપયોગી સાબિત થઈ શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!